એશિયન ગેમ્સ 2026માં ભારત માટે 36 વર્ષની સુચિકા તારિયાલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફાઇટર સુચિકા તારિયાલે મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલો કેટેગરીની ક્વાર્ટરફાઇનલમાં 2025ની IMMAF વર્લ્ડ ચેમ્પિયન અલ્તાનચિમેગ બૈગલમાને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે તેમણે એશિયન ગેમ્સમાં ભારત માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સનો પ્રથમ મેડલ નિશ્ચિત કર્યો છે.સુચિકા તારિયાલની આ સફળતા ખાસ એટલા માટે છે કારણ કે તેમની રમતની સફર સીધી MMA સુધી પહોંચી નથી. તેમણે વર્ષ 2017માં જીત સાથે MMAમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે લગભગ 7 વર્ષનો વિરામ લીધો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન તેમણે જૂડોમાં પોતાની કારકિર્દી આગળ વધારી અને જિયુ-જિત્સુમાં પણ સફળતા મેળવી.
જૂડોએ MMA માટે તૈયાર કરી
સુચિકા તારિયાલે પોતાની રમત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે જૂડોએ તેમને MMA માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. જૂડોમાંથી મળેલી ગ્રાઉન્ડ ફાઇટીંગ અને ગ્રેપલિંગની કુશળતા MMAમાં તેમના માટે ખૂબ ઉપયોગી બની. MMAમાં તેમણે સ્ટેન્ડિંગ ગેમ અને સ્ટ્રાઇકિંગ પર વધુ ધ્યાન આપ્યું.MMAમાં એક ખેલાડીને અલગ અલગ પ્રકારની કુશળતાની જરૂર પડે છે. સુચિકાએ જૂડોમાં મેળવેલા અનુભવને MMA સાથે જોડીને પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ
સુચિકા તારિયાલે અત્યાર સુધી અનેક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોમાં ભારત માટે ભાગ લીધો હતો. ત્યારબાદ 2023 એશિયન ગેમ્સમાં તેમણે કુરાશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.વર્ષ 2024માં તેમણે જિયુ-જિત્સુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સફળતા મેળવી હતી. તેમના જણાવ્યા મુજબ, રમતના વહીવટી ફેરફારોને કારણે તેમના માટે રમત બદલવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી.જાન્યુઆરી 2026માં એશિયન ગેમ્સ માટે જિયુ-જિત્સુ ટીમની રચનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના કારણે સુચિકા જે રમત માટે તૈયારી કરી રહી હતી તે માર્ગ તેમના માટે બંધ થયો. ત્યારબાદ તેમણે MMA તરફ ફરી વળવાનો નિર્ણય લીધો અને ટ્રાયલ્સમાં ભાગ લીધો.
https://x.com/ani_digital/status/2101529124879937938?s=20
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા સન્માન
સુચિકા તારિયાલને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન બદલ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે. તેમણે 4 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 30થી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.રમતગમત ઉપરાંત સુચિકા ટેલિવિઝન અને ડિજિટલ મનોરંજનના કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. તેઓ MTV Roadies અને Prime Videoના 'India's Ultimate Warrior' જેવા કાર્યક્રમોમાં પણ ભાગ લઈ ચૂકી છે.
મુંબઈમાં કરી હતી કડક તૈયારી
એશિયન ગેમ્સમાં મુકાબલો મુશ્કેલ રહેશે તે અંગે સુચિકા પહેલેથી જ જાણતી હતી. તેમણે મુંબઈના અંધેરીમાં આવેલી One Punch Academyમાં કોચ નિખિલ કુંડરની દેખરેખ હેઠળ તાલીમ લીધી હતી. લાંબા સમયથી વિવિધ કોમ્બેટ સ્પોર્ટ્સમાં મેળવેલો અનુભવ હવે MMAમાં તેમની તાકાત બની રહ્યો છે.એશિયન ગેમ્સ 2026માં અલ્તાનચિમેગ બૈગલમા સામેની જીત તેમની કારકિર્દીની મહત્વપૂર્ણ જીત બની છે. સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ સુચિકા તારિયાલે ભારત માટે MMAમાં ઐતિહાસિક મેડલ નિશ્ચિત કર્યો છે. હવે તેમની નજર સેમિફાઇનલમાં વધુ એક શાનદાર પ્રદર્શન કરીને મેડલનો રંગ વધુ સારો બનાવવા પર રહેશે.
આ પણ વાંચો - Asian Games 2026 Day 2 : સુપર સન્ડે ધમાકો! મહિલા ક્રિકેટ સેમિફાઇનલથી લઈને હોકી સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ