જાપાનના આઈચી-નાગોયામાં 2026 એશિયન ગેમ્સનો સત્તાવાર રીતે ઉદ્ઘાટન સમારોહ 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. ભારતીય ખેલાડીઓ 20 સપ્ટેમ્બરના રોજ વિવિધ રમતોમાં ભાગ લેશે, જેમાં મહિલા ક્રિકેટ ટીમનો સામનો સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે થશે. હોકીમાં, પુરુષ અને મહિલા બંને ટીમો એક્શનમાં હશે, જેની શરૂઆત પૂલ મેચોથી થશે. શૂટિંગમાં, ઘણી ભારતીય ટીમો પણ વિવિધ શ્રેણીઓમાં ઇવેન્ટ્સ સાથે તેમના અભિયાનની શરૂઆત કરશે.
- દિવસની શરૂઆત સવારે 5:30 વાગ્યે વુશુના પુરુષ ચાંગક્વાન ફાઇનલથી થશે. તેમાં ભારત તરફથી સૂરજ સિંહ મયાંગલંબમ ભાગ લેશે. આ મેડલ મુકાબલો હોવાથી ભારત માટે દિવસની શરૂઆતમાં જ મેડલની તક રહેશે.
- સવારે 6:15 વાગ્યે શૂટિંગમાં મહિલા 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત ક્વોલિફિકેશન અને ટીમ ફાઇનલ યોજાશે. ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્સા વિનોદ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વ્યક્તિગત ફાઇનલ માટે ખેલાડીઓ ક્વોલિફાય કરશે તો સવારે 11 વાગ્યે વધુ એક મેડલ તક મળશે.
- સવારે 6:30 વાગ્યે ટેકબોલમાં મહિલા સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં ક્વિમ્સી ડિસૂઝા રમશે. ત્યારબાદ મિક્સ્ડ ડબલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં ક્વિમ્સી ડિસૂઝા અને મોહમ્મદ અનસ બેગની જોડી પણ મેદાનમાં ઉતરશે.
- ટેબલ ટેનિસમાં પણ ભારતીય ટીમનો વ્યસ્ત દિવસ રહેશે. સવારે 6:30 વાગ્યે મહિલા ટીમનો ઈન્ડોનેશિયા સામે મુકાબલો છે. સવારે 9 વાગ્યે પુરુષ ટીમ ઈન્ડોનેશિયા સામે રમશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે મહિલા ટીમ સિંગાપોર સામે અને બપોરે 3 વાગ્યે પુરુષ ટીમ ઈરાન સામે ટકરાશે.
- સવારે 7:30 વાગ્યે ભારતીય મહિલા હોકી ટીમ ઉઝબેકિસ્તાન સામે પૂલ Bની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે પુરુષ હોકી ટીમ ઈન્ડોનેશિયા સામે પૂલ Aનો મુકાબલો રમશે. એટલે 20 સપ્ટેમ્બરે બંને ભારતીય હોકી ટીમો પોતાના એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત કરશે.
- સ્વિમિંગમાં સવારે 7:22 વાગ્યે આકાશ મણિ પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઇલની હીટમાં ઉતરશે. સવારે 7:37 વાગ્યે ઉત્કર્ષ પાટીલ અને ઋષભ દાસ 100 મીટર બેકસ્ટ્રોકની હીટમાં ભાગ લેશે.
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ સામે સેમિફાઇનલ મુકાબલો સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ મેચ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચવા માટે મહત્વપૂર્ણ રહેશે.
- બેડમિન્ટનમાં ભારતીય મહિલા ટીમ સવારે 11:30 વાગ્યે રાઉન્ડ ઓફ 16માં કઝાકિસ્તાન સામે રમશે. મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તારિયાલ મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલો કેટેગરીમાં ક્વાર્ટરફાઇનલમાં રમશે, જ્યારે વરુણ સાન્યાલ પુરુષોની ટ્રેડિશનલ 77 કિલો કેટેગરીમાં ક્વાર્ટરફાઇનલમાં ઉતરશે.
- બપોર બાદ વુશુમાં અપર્ણા મહિલાઓની 52 કિલો સાંડા કેટેગરીના રાઉન્ડ ઓફ 16માં રમશે. ત્યારબાદ વિક્રાંત બલિયાન પુરુષોની 75 કિલો સાંડા કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16નો મુકાબલો રમશે.
- આ ઉપરાંત ભારતની પુરુષ સિપાક ટાકરાની ટીમ પણ ટીમ રેગુ ગ્રુપ Bમાં એક્શનમાં જોવા મળશે. આમ 20 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે અનેક મહત્વના મુકાબલા અને મેડલની તકો લઈને આવ્યો છે.
આ પણ વાંચો - Brydon Carse Case: બ્રાયડન કાર્સ વિરુદ્ધ પોલીસ તપાસ બંધ, જાણો શું છે સમગ્ર મામલો