Brydon Carse: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને મોટી રાહત મળી છે. ડર્બીશરમાં કથિત મારપીટ અને નશામાં ઉપદ્રવ કરવાના આરોપમાં ચર્ચામાં આવેલા બ્રાયડન કાર્સને સ્થાનિક પોલીસે ક્લીન ચિટ આપી છે. ડર્બીશર પોલીસે પુષ્ટિ કરી છે કે કાર્સ વિરુદ્ધ ચાલી રહેલી તપાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને તેમના પર કોઈ ફોજદારી આરોપ નક્કી કરવામાં આવ્યા નથી. પોલીસના નિવેદન મુજબ, 23 ઓગસ્ટની સવારે ડર્બી સિટી સેન્ટરમાં આવેલા નાઈટક્લબની બહાર કથિત હુમલાની ફરિયાદની તપાસ કરવામાં આવી હતી. જોકે, પીડિત પક્ષે ઔપચારિક ફરિયાદ નોંધાવવાનો નિર્ણય ન લીધો, જેના કારણે મામલે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાથકડીવાળો વીડિયો થયો હતો વાયરલ
આ ઘટના કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડર્બીશર સામે ડરહામની જીત બાદ ઉજવણી દરમિયાન બની હતી. કાર્સને મોડી રાત્રે નાઈટક્લબની બહાર પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવા અને હાથકડી લગાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. પોલીસે તેમને નશામાં હોવા અને શાંતિ ભંગ કરવાની શંકામાં પકડ્યા હતા, પરંતુ જરૂરી માહિતી નોંધ્યા બાદ તેમને તરત જ છોડી દેવામાં આવ્યા હતા.
ECBએ ટીમમાંથી કર્યા હતા બહાર
આ ઘટના સામે આવ્યા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે કડક વલણ અપનાવ્યું હતું. કાર્સને પાકિસ્તાન સામેની છેલ્લી બે ટેસ્ટ મેચની ટીમમાંથી તરત જ બહાર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હાલમાં શ્રીલંકા સામે ચાલી રહેલી વ્હાઈટ-બોલની ઘરઆંગણે રમાઈ રહેલી સિરીઝમાં પણ તેમને પસંદગી માટે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
બ્રાયડન કાર્સને શું સજા ભોગવવી પડશે?
પોલીસ તરફથી રાહત મળ્યા બાદ પણ કાર્સની મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ હવે આ મામલે તપાસ કરી શકે છે. આ સમર સીઝનમાં બેન સ્ટોક્સ અને ગસ એટકિન્સન સાથે જોડાયેલી આવી જ ઘટનાઓ બાદથી ECB વધુ કડક બન્યું છે. જોકે, આ વિવાદ બાદ કાર્સ કાઉન્ટીમાં ડરહામ માટે એક મેચ રમી ચૂક્યા છે. પરંતુ ઈંગ્લેન્ડની નેશનલ ટીમમાં તેમની વાપસી બોર્ડના તપાસ રિપોર્ટ અને ત્યારબાદ લેવામાં આવનારા નિર્ણય પર જ નિર્ભર રહેશે.
આ પણ વાંચો: Brydon Carseનો પોલીસની હથકડીવાળો વીડિયો વાયરલ, ECBએ શરૂ કરી તપાસ