જાપાનના નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026 ભારત માટે યાદગાર રહી.ભારતના કુલ 495 ખેલાડીઓએ 36 અલગ-અલગ રમતોમાં ભાગ લીધો હતો. આ 495 ખેલાડીઓમાંથી 83 ખેલાડીઓ એવા હતા,જેમણે પહેલીવાર એશિયન ગેમ્સમાં ભાગ લીધો.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે SAIના આંકડા મુજબ આ 83 ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાં 43 મહિલા અને 40 પુરુષ ખેલાડીઓ સામેલ હતા.
ભારતે એશિયન ગેમ્સ કુલ 85 મેડલ જીત્યા
ભારતે એશિયન ગેમ્સ 2026માં કુલ 85 મેડલ જીત્યા હતા. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું. ખાસ વાત એ રહી કે ભારતે જીતેલા 85 મેડલમાંથી 41 મેડલ એવા ખેલાડીઓએ જીત્યા, જેઓ પહેલીવાર એશિયન ગેમ્સમાં ઉતર્યા હતા.પરંતુ આ તમામ ડેબ્યૂ કરનારા ખેલાડીઓમાંથી 7 ખેલાડીઓનું પ્રદર્શન ખાસ રહ્યું. આ ખેલાડીઓએ પોતાના પ્રથમ જ એશિયન ગેમ્સમાં એક નહીં, પરંતુ અનેક મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું.
કોણ છે આ 7 ભારતીય ખેલાડીઓ?
એશિયન ગેમ્સમાં ડેબ્યૂ કરીને એકથી વધુ મેડલ જીતનારા 7 ભારતીય ખેલાડીઓમાં કુમકુમ મોહોડ,નીરુ ઢાંડા,પ્રિથિકા પ્રદીપ,સાહિલ રાજેશ જાધવ,થિરુમુરુ ગણેશ મણિરત્નમ,હિમાંશુ ઢિલ્લોન અને વિદર્ષા કે. વિનોદનો સમાવેશ થાય છે.આ ખેલાડીઓએ તીરંદાજી અને શૂટિંગ જેવી રમતોમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની મેડલ સંખ્યામાં મોટો ફાળો આપ્યો
કુમકુમ મોહોડે જીત્યા 3 મેડલ
17 વર્ષની ભારતીય તીરંદાજ કુમકુમ મોહોડે એશિયન ગેમ્સના પોતાના ડેબ્યૂમાં જ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો.તેમણે મહિલા રિકર્વ ટીમ અને વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ રીતે કુમકુમ કુલ 3 મેડલ જીતનારા ભારતીય ડેબ્યૂ ખેલાડીઓમાં સામેલ રહ્યા.
નીરુ ઢાંડાનું પણ શાનદાર પ્રદર્શન
ભારતીય શૂટર નીરુ ઢાંડાએ પણ પોતાના પ્રથમ એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો.તેમણે મહિલા ટ્રેપ વ્યક્તિગત અને મિક્સ્ડ ટ્રેપ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે મહિલા ટ્રેપ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો.આ શાનદાર પ્રદર્શન બાદ નીરુ ઢાંડાને એશિયન ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની મહિલા ધ્વજવાહક બનવાનું સન્માન પણ મળ્યું.
પ્રિથિકા અને સાહિલે 2-2 ગોલ્ડ જીત્યા
ભારતની મહિલા તીરંદાજ પ્રિથિકા પ્રદીપે પોતાના ડેબ્યૂમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા.તીરંદાજીમાં તેમના શાનદાર પ્રદર્શનથી ભારતને મહત્વપૂર્ણ સફળતા મળી.પુરુષ તીરંદાજ સાહિલ રાજેશ જાધવે પણ ડેબ્યૂમાં જ 2 ગોલ્ડ મેડલ જીત્યા. આ બંને ખેલાડીઓએ પ્રથમ એશિયન ગેમ્સને યાદગાર બનાવી દીધી.
ગણેશ મણિરત્નમને ગોલ્ડ અને બ્રોન્ઝ
ભારતીય પુરુષ તીરંદાજ થિરુમુરુ ગણેશ મણિરત્નમે પણ ડેબ્યૂમાં બે મેડલ જીત્યા. તેમના નામે 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ રહ્યો.આ પ્રદર્શન સાથે તીરંદાજીમાંથી ભારતને ડેબ્યૂ કરનારા ખેલાડીઓ દ્વારા અનેક મેડલ મળ્યા.
હિમાંશુ અને વિદર્ષાએ જીત્યા 2-2 સિલ્વર
ભારતીય પુરુષ શૂટર હિમાંશુ ઢિલ્લોને 2 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા. તેમણે શૂટિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતની મેડલ ટેલીમાં વધારો કર્યો.મહિલા શૂટર વિદર્ષા કે. વિનોદે પણ પોતાના પ્રથમ એશિયન ગેમ્સમાં 2 સિલ્વર મેડલ જીત્યા.આ 7 ખેલાડીઓએ મળીને કુલ 16 મેડલ જીત્યા. તેમના શાનદાર ડેબ્યૂએ બતાવી દીધું કે ભારતીય રમતગમતમાં નવી પેઢીના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
આ પણ વાંચો - Asian Games 2026 Closing Ceremony: આજે નાગોયામાં યોજાશે ભવ્ય સમાપન સેરેમની