આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટરોનું પ્રભાવશાળી પ્રદર્શન સતત જારી રહ્યું છે. સોમવારે (21 સપ્ટેમ્બર) પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં રૂદ્રાક્ષ બાલાસાહેબ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માનેની ત્રિપુટીએ ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

ભારતીય ટીમનું પ્રદર્શન અને પોઈન્ટ્સ ટેલી

ભારતીય ત્રિપુટીએ કુલ 1890.1 પોઈન્ટ મેળવીને સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો.

ગોલ્ડ મેડલ: ચીનની ટીમે 1899 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, જે ભારત કરતાં 8.9 પોઈન્ટ વધુ હતો.

બ્રોન્ઝ મેડલ: ઈન્ડોનેશિયાની ટીમ 1882.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

ભારત તરફથી રુદ્રાક્ષ બાલાસાહેબ પાટીલે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 631.8 પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે હિમાંશુ ઢિલ્લોને 630 પોઈન્ટ અને પાર્થ રાકેશ માનેએ 628.3 પોઈન્ટનું મહત્વપૂર્ણ યોગદાન આપી ભારતને પોડિયમ સુધી પહોંચાડ્યું હતું.

વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં પહોંચ્યા ભારતીય શૂટર્સ

ટીમ ઈવેન્ટ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધામાં પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરી છે. રુદ્રાક્ષ બાલાસાહેબ પાટિલ અને હિમાંશુ ધિલ્લોન પુરુષોની 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા છે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં રુદ્રાક્ષ 631.8 ના સ્કોર સાથે બીજા ક્રમે અને હિમાંશુ 630 ના સ્કોર સાથે સાતમા સ્થાને રહ્યો હતો.

એશિયન ગેમ્સ 2026: ભારતની કુલ મેડલ ટેલી

પુરુષોની ટીમ દ્વારા સિલ્વર મેડલ જીતવાની સાથે જ એશિયન ગેમ્સ 2026માં ભારતની કુલ મેડલ સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે.

મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ: ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધર્ષા વિનોદની ટીમે સિલ્વર મેડલ જીત્યો.

મહિલા 10 મીટર એર રાઇફલ (વ્યક્તિગત): ઇલાવેનિલ વાલારિવને સિલ્વર મેડલ મેળવ્યો.

પુરુષ 10 મીટર એર રાઇફલ ટીમ: રુદ્રાક્ષ, હિમાંશુ અને પાર્થની ત્રિપુટીએ સિલ્વર મેડલ જીત્યો.

ભારતીય શૂટર્સ આગામી વ્યક્તિગત ઇવેન્ટ્સમાં પણ મેડલના પ્રબળ દાવેદાર હોવાથી ભારતની મેડલ સંખ્યામાં હજુ પણ વધારો થવાની પૂરતી શક્યતાઓ છે.


આ પણ વાંચો : Sachin Tendulkar Fan: સચિનનું મંદિર બનાવનાર ગુજરાતનો આ ચાહક કોણ?, તેંડુલકરે પણ લખી છે ચિઠ્ઠી