એશિયન ગેમ્સમાં આજે 14 મો દિવસ છે. ગઈકાલનો દિવસ ભારત માટે ઐતિહાસિક રહ્યો જેમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ મળ્યા. જયારે આજે પણ દિવસની શરૂઆત ગોલ્ડથી થઈ હતી. તીરંદાજી અને ગોલ્ફ ઇવેન્ટમાં ગોલ્ડ બાદ હાલમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં યશદીપ, ધીરજ અને નીરજની ત્રિપુટીએ સિલ્વર મેડલ ભારત માટે પાક્કો કર્યો. તો નીરજ ચૌહાણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે, ભારત પાસે હવે એશિયન ગેમ્સ 2026 માં કુલ 80 મેડલ છે , જેમાં 18 ગોલ્ડ, 26 સિલ્વર અને 36 બ્રોન્ઝ છે.
નીરજ ચૌહાણે જીત્યો બ્રોન્ઝ
નીરજ ચૌહાણે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજએ બ્રોન્ઝ મેડલ મેચમાં પોતાના દેશબંધુ ધીરજ બોમ્મદેવરાને 6-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. નીરજએ શરૂઆતથી જ લીડ મેળવી અને અંત સુધી તેને જાળવી રાખી.

ભારતીય તીરંદાજોનું શ્રેષ્ઠ પ્રદર્શન
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય તીરંદાજોનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ છે. પુરુષોની રિકર્વ ટીમ સ્પર્ધાની હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત દાખવીને સિલ્વર મેડલ (રજત ચંદ્રક) પોતાના નામે કર્યો છે. ફાઈનલમાં દક્ષિણ કોરિયાની મજબૂત ટીમે ભારતને ૫-૧ થી હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. યશદીપ ભોગે, ધીરજ બોમ્મદેવરા અને નીરજ ચૌહાણની ભારતીય ત્રિપુટીએ સુવર્ણ પદક માટે આકરી ટક્કર આપી હતી.
મેચનો રોમાંચક ઘટનાક્રમ
ફાઇનલ મેચનો પ્રથમ સેટ અત્યંત રોમાંચક રહ્યો હતો, જેમાં બંને ટીમો 56-56 ના સરખા સ્કોર પર રહી હતી. આથી પ્રથમ સેટ ડ્રો થતાં બંને ટીમોને 1-1 સેટ પોઇન્ટ મળ્યો હતો. બીજા સેટમાં દક્ષિણ કોરિયાએ વાપસી કરતા ભારતના 50 પોઇન્ટ સામે 57 પોઇન્ટ બનાવીને સેટ જીતી લીધો હતો અને ૨ પોઇન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ નિર્ણાયક ત્રીજા સેટમાં દક્ષિણ કોરિયાએ 56 પોઇન્ટ મેળવ્યા, જ્યારે ભારતીય ટીમ 54 પોઇન્ટ જ બનાવી શકી. આ સાથે કોરિયાએ ત્રીજો સેટ 56-54 થી પોતાના નામે કરીને 5-1 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
તીરંદાજીમાં ભારતનો 7મો મેડલ
જોકે ભારતીય ત્રિપુટી ગોલ્ડ મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી, પરંતુ સિલ્વર મેડલ જીતીને તેમણે દેશનું ગૌરવ વધાર્યું છે. 2026એશિયન ગેમ્સમાં તીરંદાજી (Archery) ક્ષેત્રે ભારતનો આ કુલ 7મો મેડલ છે. ભારતીય તીરંદાજોએ અત્યાર સુધીમાં આ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.
આ પણ વાંચો : Kumkum Mohodએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ,તીરંદાજીમા ગોલ્ડ જીત્યો