Asian Games 2026 Medals: જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત 20મી એશિયન ગેમ્સના મેડલ્સની ડિઝાઇન તેની કલાત્મકતા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિચારસરણીને કારણે દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. આ મેડલ્સની પસંદગી નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા કરવામાં આવી હતી, જેને જાણીતા જાપાની ડિઝાઇનર ડાઇસુકે શીબાએ તૈયાર કર્યા છે. શીબાનો આ કન્સેપ્ટ એશિયન ગેમ્સના સત્તાવાર નારા ‘ઇમેજિન વન એશિયા’ અને ‘વિવિધતામાં એકતા’ની થીમ પર આધારિત છે.

કોણે બનાવ્યા આ મેડલ? 

ડિઝાઇનર ડાઇસુકે શીબાએ આ મેડલ બનાવવા માટે એક અનોખી પ્રક્રિયા અપનાવી છે. મેડલનું અંતિમ સ્વરૂપ નક્કી કરતી વખતે તેમણે જાણી જોઈને અનેક સિરામિક ડિસ્ક્સ તોડી અને તેના ટુકડાઓના જોડાણનો અભ્યાસ કર્યો. શીબાનું માનવું છે કે એક એથ્લેટની સફર નિષ્ફળતા, ઈજા, સંઘર્ષ અને સખત મહેનતની વિખેરાયેલી ક્ષણોથી બને છે. જ્યારે આ તમામ ટુકડાઓ એક સાથે જોડાય છે, ત્યારે તે મેડલના રૂપમાં એથ્લેટની સફળતાનું પ્રતીક બની જાય છે. આ ડિઝાઇન એશિયાની વિવિધ સંસ્કૃતિ અને ભાષાના ખેલાડીઓ એક જ રમતના મંચ પર સાથે આવે છે તે દર્શાવે છે.

એશિયન ગેમ્સ 2026ના મેડલની 5 મોટી ખાસિયતો

  1. પર્યાવરણ સંરક્ષણ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે જાપાનની મ્યુનિસિપાલિટીઝ દ્વારા એકત્ર કરવામાં આવેલા જૂના અને નાના ઇલેક્ટ્રોનિક કચરામાંથી ધાતુ કાઢીને આ મેડલ્સ બનાવવામાં આવ્યા છે.
  2. મેડલના રિબન પર આઇચી પ્રાંતના સત્તાવાર ફૂલ ‘કાકિત્સુબાતા’નું સુંદર સિલુએટ કોતરવામાં આવ્યું છે. તેની વળાંકવાળી પેટર્ન એથ્લેટ્સની શક્તિ દર્શાવે છે.
  3. મેડલ રાખવા માટે તૈયાર કરવામાં આવેલું બોક્સ આઇચીના પ્રખ્યાત ‘હિનૉકી’ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે, જે જાપાનની પરંપરાગત ચા સંસ્કૃતિથી પ્રેરિત છે.
  4. તમામ મેડલ 8 સેન્ટિમીટર વ્યાસ અને 5 મિલીમીટર જાડાઈના ગોળાકાર ફોર્મેટમાં બનાવવામાં આવ્યા છે.
  5. ગોલ્ડ મેડલનું વજન લગભગ 265 ગ્રામ છે, જેમાં શુદ્ધ ચાંદી પર ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે સિલ્વર મેડલનું વજન લગભગ 264 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રોન્ઝ મેડલનું વજન લગભગ 222 ગ્રામ છે, જે 95 ટકા તાંબુ અને 5 ટકા ઝિંકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી