Asian Games 2026: જાપાનના આઇચી-નાગોયામાં આજે એશિયન ગેમ્સ-2026ની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ઓપનિંગ સેરેમની સાથે આ ગેમ્સની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. જોકે, કેટલીક રમતોના મુકાબલા પહેલાથી જ શરૂ થઈ ચૂક્યા છે.

મનુ ભાકર અને પવન સેહરાવત ધ્વજવાહક

ઓપનિંગ સેરેમનીમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને કબડ્ડી ખેલાડી પવન સેહરાવત ભારતની આગેવાની કરી રહ્યા છે. બંનેએ હાથમાં તિરંગો પકડીને ભારતનું નેતૃત્વ કર્યું છે. અગાઉ મનુ ભાકર સાથે તેજિંદરપાલ સિંહ તૂરને ધ્વજવાહક બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ સમયસર જાપાન પહોંચી ન શકતા પવન સેહરાવતને તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને પવન સેહરાવતે તિરંગો હાથમાં રાખ્યો હતો. ભારતીય ખેલાડીઓ અને અધિકારીઓ પણ તેમની પાછળ જોવા મળ્યા.

ખેલાડીઓએ પહેર્યો ખાસ ડ્રેસ

ભારતીય દળના ખેલાડીઓએ ઓપનિંગ સેરેમની માટે ખાસ ડ્રેસ પહેર્યો છે. મહિલા ખેલાડીઓ સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે પુરુષ ખેલાડીઓએ સૂટ પહેર્યો છે. ભારતીય દળનો આ લુક સેરેમનીમાં ખાસ જોવા મળ્યો હતો. જાપાનના રાષ્ટ્રગાન બાદ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા દેશોની પરેડ શરૂ થઈ છે. અહીં અંગ્રેજી આલ્ફાબેટના ક્રમ પ્રમાણે દેશોના ખેલાડીઓની એન્ટ્રી થઈ રહી છે. સૌથી પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓની ટીમ સ્ટેડિયમમાં પહોંચી હતી. ત્યારબાદ અન્ય દેશોના ખેલાડીઓની ટીમ પહોંચી હતી.

જાપાનના જાણીતા બૅન્ડનું પરફોર્મન્સ

વાયોલિન શો બાદ જાપાનના સાત સૈનિક પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ લઈને સ્ટેડિયમની વચ્ચોવચ પહોંચ્યા હતા. જાપાન આ એશિયન ગેમ્સનું યજમાન છે. જાપાને અગાઉ 2021માં ટોક્યો ઓલિમ્પિક્સની પણ યજમાની કરી હતી. જાપાનના જાણીતા INI બૅન્ડે સેરેમનીની શરૂઆત કરી હતી. બૅન્ડની રજૂઆત સાથે આખું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મ્યુઝિકલ પરફોર્મન્સથી ઓપનિંગ સેરેમનીનો માહોલ વધુ ઉત્સાહભર્યો બન્યો હતો. એશિયન ગેમ્સ-2026ની ઓપનિંગ સેરેમનીમાં અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન જાપાનની સંસ્કૃતિ અને પરંપરાની ઝલક પણ જોવા મળશે. સેરેમનીને ભવ્ય બનાવવા માટે ખાસ કાર્યક્રમો રજૂ કરવામાં આવી રહ્યા છે.

ભારતના 500થી વધુ ખેલાડીઓ લેશે ભાગ

એશિયન ગેમ્સ-2026માં ભારતના 500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ અનેક રમતોમાં મેડલની આશા સાથે મેદાનમાં ઉતરશે. ભારતની નજર શૂટિંગ, એથ્લેટિક્સ, કબડ્ડી, હોકી, કુસ્તી, બોક્સિંગ અને બેડમિન્ટન સહિતની રમતોમાં મેડલ જીતવા પર રહેશે.

ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચ્યા

જાપાનમાં આજે એશિયન ગેમ્સ 2026નો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ દરમિયાન ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયા જાપાન પહોંચી ગયા છે.જાપાન પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જાપાનના એક પરંપરાગત સમારોહમાં પણ ભાગ લીધો હતો.

https://twitter.com/mansukhmandviya/status/2101160059195809972

અગાઉની ગેમ્સ કરતાં વધુ સારા પ્રદર્શનનું લક્ષ્ય

ભારતીય ખેલાડીઓની કોશિશ ચીનમાં યોજાયેલી અગાઉની એશિયન ગેમ્સની સરખામણીમાં આ વખતે વધુ સારું પ્રદર્શન કરવાની રહેશે. ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં 107 મેડલ જીત્યા હતા. હવે ભારતીય દળ આ પ્રદર્શનને વધુ આગળ લઈ જવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: Asian Games શરૂ થતાં જ નિરજ ચોપરાનું દર્દ છલકાયું, કહી આ મોટી વાત