Asian Games 2026: નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં શનિવારે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દળને શુભકામનાઓ આપતા તેમની પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સારું રમો અને દેશનું નામ રોશન કરો.

પીએમ મોદીએ આપી શુભકામનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'આઇચી-નાગોયામાં એશિયન ગેમ્સની શરૂઆત સાથે જ, હું ભારતીય દળને મારી શુભકામનાઓ આપું છું. દરેક ખેલાડીએ ખૂબ મહેનત કરી છે અને અદ્ભુત લગન તથા દૃઢ સંકલ્પ દર્શાવ્યો છે. ભારતને તેમના પર ગર્વ છે. તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે, સારું રમે અને શાનદાર સફળતા મેળવે.'

https://twitter.com/narendramodi/status/2101293318315630710

મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો તિરંગો

ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને કબડ્ડી સ્ટાર પવન સેહરાવતે ભારતીય દળની આગેવાની કરી. આ એશિયાની સૌથી મોટી રમત સ્પર્ધા છે, જે દર ચાર વર્ષે એક વખત યોજાય છે. તેનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) દ્વારા કરવામાં આવે છે, જેમાં 45 દેશો ભાગ લે છે.

એશિયન ગેમ્સનું 20મું સંસ્કરણ

એશિયન ગેમ્સ પહેલીવાર વર્ષ 1951માં નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેમાં 11 દેશોના 489 એથ્લેટ્સે ભાગ લીધો હતો. ત્યારથી અત્યાર સુધી આ રમતો કુલ 19 વખત યોજાઈ ચૂકી છે. એશિયન ગેમ્સ 2026માં 45 દેશો અને વિસ્તારોના એથ્લેટ્સ 43 રમતોમાં સ્પર્ધા કરશે. આ રમતોનું આ 20મું સંસ્કરણ હશે. ટોક્યો 1958 અને હિરોશિમા 1994 બાદ ત્રીજી વખત જાપાન આ મહાદ્વીપીય સ્પર્ધાની યજમાની કરશે.

ભારતે 2023માં રચ્યો હતો ઈતિહાસ

ભારતે એશિયન ગેમ્સ 2023માં ઐતિહાસિક પ્રદર્શન કરતા 107 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં 28 ગોલ્ડ મેડલ સામેલ હતા. ભારતીય દળ આ વખતે પોતાના પ્રદર્શનમાં વધુ સુધારો કરવા માંગશે. ભારત પુરુષ અને મહિલા ક્રિકેટ તથા કબડ્ડી બંનેમાં વર્તમાન ચેમ્પિયન છે. જ્યારે પુરુષ હોકી ટીમ પણ વર્તમાન ચેમ્પિયન તરીકે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.

આ પણ વાંચો: જાપાનના આઇચી-નાગોયામાં ભવ્ય ઓપનિંગ સેરેમની, ભારતની ભવ્ય એન્ટ્રી