જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે ભારતે પોતાના બે દિગ્ગજ પેરા ખેલાડીઓને મોટી જવાબદારી સોંપી છે. પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગત અને ભાવિના પટેલને ભારતીય ટીમના ફ્લેગ બેરર બનાવવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ 18થી 24 ઓક્ટોબર સુધી યોજાનારી સ્પર્ધાના ઓપનિંગ સેરેમનીમાં તિરંગો લઈને ભારતીય દળનું નેતૃત્વ કરશે. પેરા ગેમ્સ એટલે દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતી આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધા. તેમાં વિવિધ રમતોમાં દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લે છે.
પ્રમોદ ભગતનો શાનદાર રેકોર્ડ
પ્રમોદ ભગત ભારતના સૌથી સફળ પેરા બેડમિન્ટન ખેલાડીઓમાંથી એક છે. તેમણે 2014થી 2023 વચ્ચે યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં કુલ 6 મેડલ જીત્યા છે. તેમાં 2 ગોલ્ડ અને 4 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભગત પેરાલિમ્પિક ચેમ્પિયન પણ છે અને લાંબા સમયથી ભારતના પેરા બેડમિન્ટનમાં મહત્વનું નામ રહ્યા છે. હવે ફ્લેગ બેરર તરીકે તેઓ ભારતીય દળનું નેતૃત્વ કરશે.
ભાવિના પટેલે પણ રચ્યો છે ઈતિહાસ
ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પણ ભારતના જાણીતા પેરા ખેલાડીઓમાંથી એક છે. તેમણે 2018થી 2023 વચ્ચે એશિયન પેરા ગેમ્સમાં 2 મેડલ જીત્યા છે. તેમના નામે 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ છે. ફ્લેગ બેરર તરીકે પસંદગી થયા બાદ ભાવિનાએ તેને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યારે હાથમાં તિરંગો હોય છે ત્યારે પોતે દેશ કરતાં ઘણી મોટી ઓળખનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાનો અહેસાસ થાય છે. તેમણે પ્રમોદ સાથે ઓપનિંગ સેરેમનીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
8 ઓક્ટોબરે ભારતીય ટીમને વિદાય અપાશે
ભારતીય પેરા ખેલાડીઓના દળ માટે 8 ઓક્ટોબરે ખાસ વિદાય સમારોહ યોજાશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રમતગમત રાજ્યમંત્રી રક્ષા નીખિલ ખડસે પણ કાર્યક્રમમાં હાજરી આપશે. પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયાએ પ્રમોદ અને ભાવિનાની પસંદગીને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે બંને ખેલાડીઓની સિદ્ધિઓ, સંઘર્ષ અને મજબૂત ઈચ્છાશક્તિ તેમને ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે યોગ્ય બનાવે છે.
ભારતની નજર વધુ સારા પ્રદર્શન પર
આઈચી-નાગોયા એશિયન પેરા ગેમ્સમાં સમગ્ર એશિયાના પેરા ખેલાડીઓ ભાગ લેશે. આ ભારતની 5મી એશિયન પેરા ગેમ્સ હશે. 2022ની હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં ભારતે રેકોર્ડ 29 ગોલ્ડ સાથે 111 મેડલ જીત્યા હતા. હવે ભારતીય ખેલાડીઓ નાગોયામાં આ પ્રદર્શનને વધુ આગળ લઈ જવાના ઈરાદા સાથે ઉતરશે. આ ગેમ્સમાં આશરે 3,000 ખેલાડીઓ અને 45 નેશનલ પેરાલિમ્પિક કમિટીઓ ભાગ લેવાની છે. કુલ 18 પેરા સ્પોર્ટ્સ રમાશે. સ્પર્ધા 18થી 24 ઓક્ટોબર સુધી ચાલશે.
આ પણ વાંચો: Olympics 2036 માટે ભારતનો મોટો પ્લાન, સ્પોર્ટિંગ સુપરપાવર બનવાનું લક્ષ્ય