જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી Asian Para Games 2026માં ભારતીય ખેલાડીઓએ પહેલા જ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે 19 ઓક્ટોબરે કુલ 11 મેડલ જીત્યા, જેમાં 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. શૂટિંગ અને પેરા એથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ ખાસ છાપ છોડી. આ પ્રદર્શન સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું.

મોના અગ્રવાલે ગોલ્ડથી ભારતનું ખાતું ખોલ્યું

મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1 સ્પર્ધામાં મોના અગ્રવાલે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફાઇનલમાં 250.0 પોઇન્ટ મેળવ્યા અને ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો. ભારતની જ અવની લેખરાએ 249.6 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો. આમ, આ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ પોતાના નામે કર્યા.

નિશાદ કુમારે લોંગ જમ્પમાં જીત્યું સોનું

પેરા એથ્લેટિક્સમાં નિશાદ કુમારે પુરુષોની T47 લોંગ જમ્પ સ્પર્ધામાં 7.11 મીટરનો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ જીત્યો. ઉઝબેકિસ્તાનના ઓમાદબેક ખાસાનોવે 6.99 મીટરના કૂદકા સાથે સિલ્વર મેડલ મેળવ્યો. નિશાદ હાઇ જમ્પમાં પોતાની સફળતા માટે જાણીતો છે, પરંતુ આ વખતે તેણે લોંગ જમ્પમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી.

રિંકુ અને સૌમ્યાએ પણ અપાવ્યો ગોલ્ડ

પુરુષોની F46 ભાલા ફેંક સ્પર્ધામાં રિંકુએ 65.11 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના અજીત સિંહ યાદવે 65.02 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં પણ ભારતે પ્રથમ અને બીજું સ્થાન મેળવ્યું. મહિલાઓની 1500 મીટર T12/T13 સ્પર્ધામાં સૌમ્યાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે રાધા વેંકટેશે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

જૂડોમાં સિલ્વર અને બ્રોન્ઝ, સ્વિમિંગમાં પણ મેડલ

જૂડોમાં કોકિલાએ મહિલાઓની J2-52 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. કપિલ પરમારે પુરુષોની J1-70 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. પેરા સ્વિમિંગમાં રવિ કાર્તિક બુડિગિનાએ પુરુષોની 100 મીટર ફ્રીસ્ટાઇલ S13 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. આ ઉપરાંત, મહિલાઓની 1500 મીટર T11 રેસમાં રવન્ની વલસનૈનીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

તીરંદાજી અને બેડમિન્ટનમાં પણ ભારતનું પ્રદર્શન

તીરંદાજી ખેલાડી શીતલ દેવીએ મહિલાઓની કમ્પાઉન્ડ વ્યક્તિગત સ્પર્ધામાં વિશ્વ રેકોર્ડની બરાબરી કરી. તેણે રાકેશ કુમાર સાથે મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં પણ વિશ્વ રેકોર્ડ બનાવ્યો. બેડમિન્ટનમાં નિતેશ કુમાર અને થુલાસિમથી મુરુગેસનની જોડીએ મિક્સ્ડ ડબલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવી. નિતેશ કુમારે પુરુષોની સિંગલ્સ સ્પર્ધામાં પણ જીત મેળવી. આમ, પહેલા જ દિવસે ભારતે અનેક રમતોમાં મેડલ અને આગળ વધવાની તક મેળવી છે.

મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને

પહેલા દિવસની સ્પર્ધા પૂરી થયા બાદ ભારતના નામે 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 11 મેડલ છે. મેડલ ટેલીમાં ચીન પ્રથમ, જાપાન બીજા અને ઉઝબેકિસ્તાન ત્રીજા સ્થાને છે, જ્યારે ભારત ચોથા સ્થાને છે. હવે બીજા દિવસે ભારતીય ખેલાડીઓ પાસેથી વધુ મેડલની આશા રહેશે.

આ પણ વાંચો: Gold Medals: 52 વર્ષની ઉંમરે IRS અધિકારીનો પાવરલિફ્ટિંગમાં ધમાકો, એકસાથે જીત્યા 3 ગોલ્ડ મેડલ!