ભારતીય બેડમિન્ટન માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતને 2028ની પ્રતિષ્ઠિત થોમસ અને ઉબેર કપ ફાઇનલ્સની યજમાની મળી છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને બુધવારે આ જાહેરાત કરી હતી અને નવી દિલ્હીને ટુર્નામેન્ટનું યજમાન શહેર નક્કી કર્યું છે. આ સ્પર્ધા બેડમિન્ટનની સૌથી મોટી ટીમ ચેમ્પિયનશિપમાંની એક છે, જેમાં દુનિયાના ટોચના પુરુષ અને મહિલા ખેલાડીઓ પોતાની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતે છેલ્લે 2014માં આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. હવે 14 વર્ષ બાદ ફરી એકવાર દેશને આ મોટી સ્પર્ધા યોજવાની તક મળશે. ખાસ વાત એ છે કે ભારતે 2022માં પ્રથમ વખત થોમસ કપ જીતીને વિશ્વ બેડમિન્ટનમાં પોતાની તાકાત પણ સાબિત કરી હતી.

14 વર્ષ બાદ ભારતને ફરી યજમાની

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF)એ 2028ની થોમસ અને ઉબેર કપ ફાઇનલ્સની યજમાની ભારતને સોંપી છે. બુધવાર, 25 નવેમ્બરે કરવામાં આવેલી જાહેરાત મુજબ નવી દિલ્હી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કરશે. ભારતે છેલ્લે 2014માં આ સ્પર્ધાની યજમાની કરી હતી. તે સમયે નવી દિલ્હીના સિરી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 18થી 25 મે દરમિયાન મેચો રમાઈ હતી. આ વખતે પણ નવી દિલ્હીમાં જ સ્પર્ધા યોજાશે. જોકે, 2028ની ટુર્નામેન્ટની ચોક્કસ તારીખો અને મેચના સ્થળ અંગેની વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

શું છે થોમસ અને ઉબેર કપ?

થોમસ કપ પુરુષોની રાષ્ટ્રીય ટીમો વચ્ચે રમાતી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ છે, જ્યારે ઉબેર કપ મહિલાઓની ટીમો માટેની સ્પર્ધા છે. બંને ટુર્નામેન્ટમાં દેશની ટીમો વચ્ચે મુકાબલા થાય છે. તેમાં સિંગલ્સ અને ડબલ્સની મેચો દ્વારા ટીમનો વિજેતા નક્કી થાય છે. આ સ્પર્ધાઓ બેડમિન્ટનની સૌથી પ્રતિષ્ઠિત ટીમ ચેમ્પિયનશિપમાં સામેલ છે. વિશ્વની ટોચની બેડમિન્ટન ટીમો તેમાં ભાગ લે છે. ભારત માટે આ યજમાની એટલા માટે પણ ખાસ છે, કારણ કે દેશે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

2022માં ભારતે પહેલીવાર થોમસ કપ જીત્યો હતો

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે 2022માં ઇતિહાસ રચ્યો હતો. થાઇલેન્ડના બેંગકોકમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીત ભારતીય બેડમિન્ટનના સૌથી યાદગાર પ્રદર્શનોમાંની એક બની હતી. મહિલાઓની ટીમે હજુ સુધી ઉબેર કપ જીત્યો નથી. જોકે, 2014 અને 2016માં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલ સુધી પહોંચીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે 2028માં ઘરઆંગણે રમાનારી સ્પર્ધા બંને ટીમો માટે પોતાની ક્ષમતા બતાવવાની મોટી તક બની શકે છે.

ભારતને મળી વધુ એક મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા

ભારતે આ પહેલાં 2026માં નવી દિલ્હીમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપનું પણ આયોજન કર્યું હતું. આ સફળ આયોજન બાદ હવે દેશને થોમસ અને ઉબેર કપ જેવી મોટી ટીમ સ્પર્ધાની યજમાની મળી છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના પ્રમુખ ખૂનિંગ પટામા લીશ્વાત્રાકુલે જણાવ્યું હતું કે પસંદ કરાયેલા યજમાન દેશો બેડમિન્ટનના વૈશ્વિક વિકાસ અને રમતને વધુ દર્શકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. BWFએ આગામી વર્ષોની અન્ય મોટી સ્પર્ધાઓનાં યજમાન પણ જાહેર કર્યાં છે. 2027ની વર્લ્ડ ચેમ્પિયનશિપ કેનેડાના મિસિસોગામાં, 2029ની સુદીરમાન કપ સ્પર્ધા દક્ષિણ કોરિયામાં અને 2030ની થોમસ-ઉબેર કપ ફાઇનલ્સ ફ્રાન્સના પેરિસમાં યોજાશે.

આ રીતે ભારતને 2028માં વિશ્વની શ્રેષ્ઠ પુરુષ અને મહિલા બેડમિન્ટન ટીમોની યજમાની કરવાની તક મળશે. ભારતીય ચાહકોને પણ ઘરઆંગણે વિશ્વસ્તરના ખેલાડીઓની રમત જોવાનો મોકો મળશે.

આ પણ વાંચો: 2036 Olympics: આવતીકાલે સૌથી મોટો દાવ, અમદાવાદ દુનિયા સમક્ષ રજૂ થશે, 6 દેશો સાથે ટક્કર