ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે. સોમવારે જલંધરમાં રમાયેલી અંતિમ લીગ મેચમાં ભારતે દક્ષિણ કોરિયાને 8-0થી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત પાંચમી જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે 5 મેચમાં 15 પોઇન્ટ મેળવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારત અગાઉથી જ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું હતું. હવે રસપ્રદ વાત એ છે કે લીગ તબક્કામાં જે દક્ષિણ કોરિયાને ભારતે 8-0થી હરાવ્યું, તેની સામે જ બુધવારે સેમિફાઇનલમાં ફરી મુકાબલો થશે. એટલે કે ફાઇનલમાં પહોંચવા માટે ભારતને ફરી એકવાર કોરિયાની ટીમ સામે રમવું પડશે.

દિલપ્રીત સિંહની બે ગોલ સાથે શાનદાર રમત

દક્ષિણ કોરિયા સામે ભારતીય ફોરવર્ડ દિલપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 8મી અને 40મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત જુગરાજ સિંહે 11મી મિનિટે, કેપ્ટન હરમનપ્રીત સિંહે 15મી મિનિટે, શિલાનંદ લાકરાએ 33મી મિનિટે, સુખજીત સિંહે 34મી મિનિટે, સંજયે 36મી મિનિટે અને અંગદ બિર સિંહે મેચની છેલ્લી એટલે કે 60મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતની આક્રમક રમત સામે દક્ષિણ કોરિયાના ડિફેન્સ પાસે કોઈ જવાબ નહોતો. 

બીજા હાફમાં ભારતે ફટકાર્યા વધુ 4 ગોલ

ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં જ ભારતે પોતાની આક્રમકતા વધારી દીધી હતી. 33મી મિનિટે શિલાનંદ લાકરાએ પેનલ્ટી કોર્નરના રિબાઉન્ડ પર ગોલ કર્યો હતો. તેના થોડા સમય બાદ સુખજીત સિંહે ફિલ્ડ ગોલ કરીને ભારતની લીડ 5-0 કરી હતી. 36મી મિનિટે સંજયે વધુ એક ગોલ કર્યો હતો. ત્યારબાદ 40મી મિનિટે દિલપ્રીત સિંહે પોતાનો બીજો ગોલ કરીને સ્કોર 7-0 પર પહોંચાડ્યો હતો. અંતિમ મિનિટે અંગદ બિર સિંહે ફિલ્ડ ગોલ કરીને ભારતની જીત 8-0થી નિશ્ચિત કરી હતી. દક્ષિણ કોરિયાને મેચ પૂરી થવાની થોડી ક્ષણો પહેલાં સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પરંતુ તેમાંથી પણ ગોલ કરી શક્યું નહોતું.

5 મેચમાં 5 જીત, ભારતનો દબદબો

ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી તમામ પાંચ મેચ જીતી છે. ભારતે શરૂઆત બાંગ્લાદેશ સામે 13-0ની મોટી જીત સાથે કરી હતી. ત્યારબાદ ચીનને 5-2, જાપાનને 4-1, મલેશિયાને 4-2 અને હવે દક્ષિણ કોરિયાને 8-0થી હરાવ્યું છે. આ રીતે ભારતે લીગ તબક્કામાં કુલ 34 ગોલ કર્યા છે અને માત્ર 7 ગોલ સ્વીકાર્યા છે. 15 પોઇન્ટ સાથે ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જાપાન, મલેશિયા અને દક્ષિણ કોરિયાએ પણ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: 'હવે મહેનત શા માટે કરું?' Sarfaraz Khanનો ટીમ ઇન્ડિયાની પસંદગી પર સવાલ