ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની ચૂંટણી પહેલાં ખેલજગતના દિગ્ગજ ખેલાડીઓની ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે. સ્પોર્ટ્સપર્સન્સ ઑફ મેરિટ (SOM)ની 8 બેઠકો માટે ચાલી રહેલી પ્રક્રિયામાં પુરુષ વર્ગના 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગ, વિજેન્દર સિંહ અને યોગેશ્વર દત્તની સાથે પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતાનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહિલા વર્ગની 4 બેઠકો માટે હવે 6 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં વર્તમાન IOA પ્રમુખ પી.ટી. ઉષા અને બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ સહિતનાં નામ સામેલ છે. 

પુરુષ વર્ગમાં 8 ખેલાડીઓએ નામ પાછાં ખેંચ્યાં

IOAના ચૂંટણી અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવે શનિવારે બપોરે 2 વાગ્યે ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા પૂરી થયા બાદ જણાવ્યું કે પુરુષ વર્ગની 4 બેઠકો માટે હવે માત્ર 4 ઉમેદવારો જ બાકી છે. તેથી સોમવારે યોજાનાર મતદાનની જરૂર નહીં રહે અને આ ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગગન નારંગે 2012 લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. વિજેન્દર સિંહે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે યોગેશ્વર દત્તે 2012 લંડન ઓલિમ્પિકમાં કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. કમલેશ મહેતા પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી છે. પુરુષ વર્ગના 8 ખેલાડીઓએ ઉમેદવારી પાછી ખેંચતાં આ ચારેયને બિનહરીફ સ્થાન મળ્યું છે. 

પી.ટી. ઉષા સહિત 6 મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર

મહિલા વર્ગમાં ચાર બેઠકો માટે હવે છ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. તેમાં IOAનાં વર્તમાન પ્રમુખ પી.ટી. ઉષા, ઓલિમ્પિક મેડલ વિજેતા સાઇના નેહવાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતનાર અંજુ બોબી જ્યોર્જ, પૂર્વ તીરંદાજ ડોલા બેનર્જી, ભારતીય મહિલા હોકીની પૂર્વ કેપ્ટન રાની રામપાલ અને પૂર્વ બાસ્કેટબોલ ખેલાડી અનિતા પૉલ દુરાઈનો સમાવેશ થાય છે. મહિલા વર્ગની ચૂંટણી 9 નવેમ્બરે વર્ચ્યુઅલ રીતે યોજાશે. આ પહેલાં પાંચ મહિલા ખેલાડીઓએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. 

5 ડિસેમ્બરની ચૂંટણી માટે પણ મહત્વની

SOM તરીકે ચૂંટાયેલા 8 ખેલાડીઓ IOAની જનરલ એસેમ્બલીના સભ્ય બનશે. તેઓ 5 ડિસેમ્બરે યોજાનારી IOAની નવી કાર્યકારી પરિષદની ચૂંટણીમાં મતદાન કરી શકશે અને ઉમેદવારી પણ નોંધાવી શકશે. આ ચૂંટણીમાં IOA પ્રમુખ સહિતનાં પદો માટેની પ્રક્રિયા હોવાથી SOMની બેઠકોનું મહત્વ વધી ગયું છે. 2022માં પી.ટી. ઉષા પણ પહેલાં SOM તરીકે ચૂંટાયા બાદ IOAનાં પ્રમુખ બન્યાં હતાં. નવા SOMમાંથી એક પુરુષ અને એક મહિલા સભ્યને કાર્યકારી પરિષદમાં પણ સ્થાન મળશે. 

ઉમેદવારી પાછી ખેંચવા અંગે વિવાદ

આ ચૂંટણીમાં કેટલાક ખેલાડીઓએ ઉમેદવારી પાછી ખેંચી હોવાને લઈને વિવાદ પણ ઊભો થયો છે. ક્લીન સ્પોર્ટ્સ ઇન્ડિયાના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક બી.વી.પી. રાવે દાવો કર્યો હતો કે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ રમતગમત મંત્રાલયના દબાણને કારણે ઉમેદવારી પાછી ખેંચી છે. જોકે, રમતગમત મંત્રાલયના એક સૂત્રએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે IOAની ચૂંટણી સ્વતંત્ર રીતે યોજાય છે તથા મંત્રાલયની તેમાં કોઈ ભૂમિકા નથી.

આ પણ વાંચો: Hockey: ‘ચક દે ઈન્ડિયા’ની ઐતિહાસિક જીતના અસલી કોચનું નિધન! ગુરદિયાલ સિંહ ભંગુએ દુનિયાને કહ્યું અલવિદા