અમદાવાદમાં ભારતીય કબડ્ડી ટીમોએ દેશનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026માં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. પુરુષ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને 54-20થી હરાવ્યું, જ્યારે મહિલા ટીમે યુગાન્ડાને 35-15થી પરાજય આપ્યો હતો. બંને ટીમોએ ટુર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવ્યા વિના ગોલ્ડ મેડલ જીત્યા હતા.
https://x.com/TheKhelIndia/status/2116584333310079342?a=mLwnRqKCii53f9Pcy3E&s=20
પુરુષ ટીમે શ્રીલંકાને 34 પોઇન્ટથી હરાવ્યું
પુરુષોની ફાઇનલમાં ભારતે શરૂઆતથી જ શ્રીલંકા પર દબાણ બનાવી રાખ્યું હતું. ભારતીય ખેલાડીઓએ રેડિંગ અને ડિફેન્સ બંને વિભાગમાં શાનદાર રમત બતાવી હતી. ભારતે શ્રીલંકાને 54-20થી હરાવીને પ્રથમ કોમનવેલ્થ પુરુષ કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ભારત તરફથી આદિત્ય શિંદેએ શાનદાર સુપર 10 નોંધાવીને 14 રેડમાં 10 પોઇન્ટ મેળવ્યા હતા. તેમાં 4 બોનસ પોઇન્ટનો સમાવેશ થાય છે. ભરત હૂડાએ બીજા હાફમાં 8 રેડ પોઇન્ટ મેળવ્યા હતા અને પોતાની 7 રેડમાંથી એક પણ વખત ટૅકલ થયા નહોતા. પંકજ મોહિતેએ 6 પોઇન્ટ, જ્યારે ઉપકપ્તાન નવીન કુમારે 5 પોઇન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં યોગેશ દહિયાએ હાઇ-5 નોંધાવ્યો હતો. તેમણે પ્રથમ હાફમાં કરેલા તમામ 5 ટૅકલ પ્રયાસ સફળ બનાવ્યા હતા.
ભારતે પ્રથમ હાફમાં જ મેચ પોતાના નામે કરી
ભારતે મેચમાં કુલ 30 રેડ પોઇન્ટ અને 14 ટૅકલ પોઇન્ટ મેળવ્યા હતા. ટીમે શ્રીલંકાને 4 વખત ઓલઆઉટ કર્યું હતું, જ્યારે ભારત એક પણ વખત ઓલઆઉટ થયું નહોતું. પ્રથમ હાફમાં ભારતે 30-10ની મોટી સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં પણ ભારતીય ખેલાડીઓએ દબદબો જાળવી રાખ્યો હતો. ભારતે બીજા હાફમાં 24-10થી સરસાઈ મેળવીને અંતે 54-20થી મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી મદુવંથાએ 6 ટૅકલ પોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે અન્સાફ અને વિદુરંગાએ 3-3 પોઇન્ટનું યોગદાન આપ્યું હતું.
https://x.com/TheKhelIndia/status/2116554020953477236?a=yUjrYdi0Gest0sE3FBg&s=20
મહિલા ટીમે યુગાન્ડાને 35-15થી હરાવ્યું
આ પહેલાં ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં યુગાન્ડાને 35-15થી હરાવીને ખિતાબ જીત્યો હતો. કેપ્ટન નિધિ શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ રાખ્યું હતું. હાફ ટાઇમ સુધી ભારત 22-7થી આગળ હતું. ભારત તરફથી સાક્ષીએ 10 રેડમાં 9 પોઇન્ટ મેળવ્યા હતા. અનુએ 6 અને કેપ્ટન નિધિ શર્માએ 5 પોઇન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં રિતુ અને સુમને 4-4 ટૅકલ પોઇન્ટ નોંધાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે પણ સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નહોતી. આ રીતે ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં અજેય રહીને ચેમ્પિયનશિપ પૂરી કરી હતી.
પુરુષ ટીમની સફર: 8 મેચ, 8 જીત
ભારતીય પુરુષ ટીમે ગ્રુપ સ્ટેજમાં રમેલી તમામ 6 મેચ જીતીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 56-27થી હરાવ્યું હતું. ફાઇનલમાં શ્રીલંકા સામે 54-20થી જીત મેળવીને ટીમે સતત આઠમી જીત નોંધાવી હતી. ટુર્નામેન્ટ દરમિયાન ભારતે કુલ 380 પોઇન્ટ મેળવ્યા હતા અને વિરોધી ટીમોને 193 પોઇન્ટ આપ્યા હતા. કોઈપણ ટીમ ભારત સામે 30થી વધુ પોઇન્ટ મેળવી શકી નહોતી.
અમદાવાદમાં ભારતીય કબડ્ડીનો ઐતિહાસિક દિવસ
23થી 31 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાઈ હતી. તેમાં 13 દેશોની 23 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતે બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની તાકાત સાબિત કરી છે. ખાસ વાત એ છે કે બંને ટીમોએ સમગ્ર સ્પર્ધામાં અજેય રહીને ખિતાબ જીત્યા છે. અમદાવાદમાં ભારતીય કબડ્ડી માટે આ દિવસ યાદગાર બની ગયો છે.
આ પણ વાંચો: Bodybuilder: નિવૃત્તિ નહીં, હજુ એક પડકાર બાકી! જાપાનના બોડીબિલ્ડરનું 93 વર્ષે ફરી સ્પર્ધાનું લક્ષ્ય
