ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ,જેઓ વિશ્વમાં 39મા ક્રમે છે,તેમણે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં ભારત માટે મેડલ નિશ્ચિત કર્યો છે. તેમણે શુક્રવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરેના ખાતે રમાયેલી મહિલા ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ચોથી ક્રમાંકિત ચીની જોડી જિયા યિફાન અને ઝાંગ શુ જિયાનને હરાવી હતી. આ પ્રભાવશાળી જીત સાથે,તેમણે ભારત માટે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કરીને ઇતિહાસ રચ્યો.
પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ત્રિશા અને ગાયત્રીનું પ્રભાવશાળી પ્રદર્શન
ભારતીય જોડીએ મેચમાં ખરાબ શરૂઆત કરી હતી, પ્રથમ ગેમ 16-21થી હારી ગઈ હતી. જોકે, તેમણે શાનદાર વાપસી કરી અને બીજી ગેમ 21-15થી જીતી લીધી. આ ગતિ જાળવી રાખતા, તેમણે ત્રીજી અને અંતિમ ગેમ 21-13થી જીતી લીધી. આ જીત સાથે, ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સ ઇવેન્ટમાં ભારત માટે ઓછામાં ઓછો એક મેડલ નિશ્ચિત કર્યો છે. 2011માં જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બ્રોન્ઝ મેડલ જીત્યા પછી આ શ્રેણીમાં ભારતનો આ પહેલો મેડલ છે.
પીવી સિંધુ રાઉન્ડ ઓફ 16માં બહાર
આ જીત ભારત માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે તે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એકમાત્ર કન્ફર્મ મેડલ છે. અગાઉ, પીવી સિંધુ, લક્ષ્ય સેન, ઉન્નતિ હુડા અને આયુષ શેટ્ટી જેવા ઘણા અગ્રણી ખેલાડીઓ જેમની પાસેથી મેડલની અપેક્ષા હતી - તે પહેલાથી જ બહાર થઈ ગયા હતા. પીવી સિંધુને પ્રી-ક્વાર્ટર ફાઇનલ (રાઉન્ડ ઓફ 16) મેચમાં ચીનની ત્રીજી ક્રમાંકિત વાંગ ઝી યી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુ ગયા વર્ષે BWF વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
સાત્વિક-ચિરાગ પર પણ મેડલની આશા
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરુષ ડબલ્સની જોડી પણ ભારત માટે વધુ એક મેડલ જીતવાની રેસમાં છે. પાંચમી ક્રમાંકિત ભારતીય જોડી શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત ચીની જોડી લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે. જો સાત્વિક અને ચિરાગ આ મેચ જીતી જાય છે, તો ભારત માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બીજો મેડલ નિશ્ચિત થઈ જશે.
આ પણ વાંચો- BWF World Championships: પી.વી. સિંધુ અને આયુષ શેટ્ટીનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી