વિશ્વના નંબર-1 ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને ટોટલ ચેસ ટૂર્નામેન્ટમાં ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમવાનો ઇનકાર કર્યા બાદ હવે બીજા ખેલાડીઓએ પણ એ જ રસ્તો અપનાવ્યો છે. અમેરિકાના 17 વર્ષીય અભિમન્યુ મિશ્રા ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. વૈશાલી સામે રમવા માટે બોર્ડ પર પહોંચ્યા જ નહીં. પરિણામે વૈશાલીને ગેમમાં વોકઓવર મળ્યો, પરંતુ તે આ નિર્ણયથી ખુશ નહોતી.

કાર્લસન બાદ મિશ્રાએ પણ એ જ રસ્તો અપનાવ્યો

બુડાપેસ્ટમાં ચાલી રહેલી ટોટલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર પાઇલટ ટૂર્નામેન્ટમાં કાર્લસને સતત બીજા દિવસે ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમવાનો ઇનકાર કર્યો હતો. આ વખતે તેની સાથે અભિમન્યુ મિશ્રા અને હંગેરીના રિચર્ડ રાપોર્ટે પણ પોતાની ગેમ છોડી દીધી હતી. મિશ્રા અને વૈશાલી વચ્ચે 21થી 24મા સ્થાન માટે મુકાબલો ચાલી રહ્યો હતો. મંગળવારે પ્રથમ દિવસની ટક્કરમાં મિશ્રાએ વૈશાલીને 13-7થી હરાવી હતી. બુધવારે બીજા દિવસની મેચમાં તેણે ચાર બ્લિટ્ઝમાંથી ત્રણ અને બંને રેપિડ ગેમ જીતીને 11-1ની સરસાઈ મેળવી લીધી હતી. આટલી મોટી સરસાઈ બાદ વૈશાલી ફાસ્ટ ક્લાસિકલ ગેમ જીતી જાય તો પણ દિવસનો મુકાબલો 11-9થી મિશ્રાના પક્ષમાં રહેવાનો હતો. તેથી મિશ્રા રમવા માટે બોર્ડ પર આવ્યો જ નહીં. નિયમ મુજબ વૈશાલીને આ ગેમના તમામ આઠ પોઇન્ટ મળ્યા, છતાં મિશ્રાએ દિવસનો મુકાબલો 11-9થી જીતી લીધો.

વૈશાલી રમવા માગતી હતી, પરંતુ તક ન મળી

મિશ્રા ગેમ રમવા ન આવતાં વૈશાલીને વોકઓવર આપવામાં આવ્યો. જોકે, આ જીતથી તે ખાસ ખુશ નહોતી. તેણે કહ્યું, “કહેવા માટે કંઈ નથી.” વૈશાલીએ જણાવ્યું હતું કે તે ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમવાની રાહ જોઈ રહી હતી. આ ટૂર્નામેન્ટમાં વૈશાલી માટે આ અનુભવ વધુ નિરાશાજનક રહ્યો, કારણ કે તે પોતાના પ્રતિસ્પર્ધી સામે બોર્ડ પર ઉતરીને રમવા માગતી હતી. હવે તેણે 23મા સ્થાન માટે નોદિરબેક અબ્દુસત્તોરોવ સામે રમવાનું છે. 

મિશ્રાએ પોતે જ જણાવી ગેમ ન રમવાનું કારણ

ગેમ ન રમવાના નિર્ણય અંગે મિશ્રાએ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કરી હતી. તેણે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટમાં સતત અનેક ગેમ રમવી પડે છે અને નોકઆઉટ તબક્કામાં દરરોજ સાત ગેમ રમવી ખેલાડીઓ માટે થકવી નાખે તેવી છે. મિશ્રાના જણાવ્યા પ્રમાણે, બીજી રેપિડ ગેમ જીતીને તેણે મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ તેણે મુખ્ય આર્બિટર પાસે જઈને પૂછ્યું હતું કે ફાસ્ટ ક્લાસિકલ ગેમમાં હાજર ન રહે તો ચાલશે કે નહીં. આર્બિટરે નિર્ણય તેની મરજી પર છોડ્યો હતો. તેણે વધુમાં કહ્યું કે જે મુકાબલાનું પરિણામ નક્કી થઈ ગયું હોય, તેમાં બાકી રહેલી ગેમ રેટિંગમાં ગણાશે કે નહીં તે અંગે પણ અનિશ્ચિતતા હતી. થાક, રેટિંગ અંગેની મૂંઝવણ અને આર્બિટરની મંજૂરીને કારણે તેણે ગેમ ન રમવાનો નિર્ણય લીધો હતો. 

કાર્લસન અને રાપોર્ટે પણ ગેમ છોડી

મિશ્રા પહેલાં મેગ્નસ કાર્લસને પણ સતત બીજા દિવસે કઝાકિસ્તાનની બિબિસારા અસાઉબાયેવા સામે ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમવાનો ઇનકાર કર્યો હતો. કાર્લસને ચારેય બ્લિટ્ઝ ગેમ જીતી અને બે રેપિડ ગેમમાંથી એક જીતી, બીજી ડ્રો કરી હતી. આથી તેણે 10-2ની સરસાઈ મેળવીને મુકાબલો જીતી લીધો હતો.

બીજી તરફ, રિચર્ડ રાપોર્ટે પણ હાઈક માર્ટિરોસ્યાન સામેની ગેમમાં હાજરી આપી નહોતી. આમ, એક જ દિવસમાં ત્રણ ખેલાડીઓએ ફાસ્ટ ક્લાસિકલ ગેમ છોડી હતી. કાર્લસનના નિર્ણય બાદ અન્ય ખેલાડીઓએ પણ આવું કરતાં ટૂર્નામેન્ટના નિયમો, ખેલાડીઓનો થાક અને નક્કી થઈ ગયેલા મુકાબલામાં બાકી ગેમ રમવાની જરૂરિયાત અંગે ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: Magnus Carlsen: વિશ્વના નંબર-1 ચેસ ખેલાડીએ મેચ રમવાની જ ના પાડી! પ્રતિસ્પર્ધી 15 મિનિટ રાહ જોતી રહી