ચેસની દુનિયામાં વિશ્વના નંબર-1 ખેલાડી મેગ્નસ કાર્લસને એક એવો નિર્ણય લીધો છે, જેની ચર્ચા અત્યારે રમતજગતમાં થઈ રહી છે. હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી રહેલી ટોટલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂરની પ્રાયોગિક સ્પર્ધામાં કાર્લસને કઝાકિસ્તાનની ગ્રાન્ડમાસ્ટર બિબિસારા અસૌબાયેવા સામેની છેલ્લી ગેમ રમવાનો ઇનકાર કરી દીધો હતો. તે સમયે કાર્લસન મુકાબલામાં અજેય સરસાઈ મેળવી ચૂક્યો હતો. જોકે, તેની આ હરકતને કારણે બિબિસારાને ચેસબોર્ડ પાસે રાહ જોવી પડી હતી.
છ ગેમ જીતીને પણ સાતમી ગેમ રમવા ન આવ્યો
કાર્લસન અને બિબિસારા વચ્ચે એક દિવસના મુકાબલામાં કુલ સાત ગેમ રમાવાની હતી. તેમાં ચાર બ્લિટ્ઝ, બે રેપિડ અને એક ફાસ્ટ ક્લાસિકલ ગેમનો સમાવેશ થતો હતો. કાર્લસને શરૂઆતની ચાર બ્લિટ્ઝ ગેમમાંથી ત્રણ જીતી હતી અને એક ડ્રો કરી હતી. ત્યારબાદ બંને રેપિડ ગેમમાં પણ તેણે જીત મેળવી હતી. આ રીતે ફાસ્ટ ક્લાસિકલ ગેમ શરૂ થાય તે પહેલાં જ કાર્લસને 11.5-0.5ની સરસાઈ મેળવી લીધી હતી. છેલ્લી ગેમ જીતવા કે ડ્રો કરવા છતાં મુકાબલાના તે દિવસનું પરિણામ બદલાવાનું નહોતું. આ પછી કાર્લસન ચેસબોર્ડ પર પહોંચ્યો જ નહીં. બિબિસારા પોતાની જગ્યાએ બેઠી રહી અને લગભગ 15 મિનિટ સુધી તેની રાહ જોતી રહી. નિયમ મુજબ રાહ જોવાનો સમય પૂરો થતાં રેફરીએ બિબિસારાને વોકઓવર આપ્યો. આથી દિવસનો અંતિમ સ્કોર 11.5-8.5 રહ્યો.
રેટિંગ ઘટવાનો ડર હતો કે નહીં?
કાર્લસનના નિર્ણય પાછળનું એક મોટું કારણ તેની ક્લાસિકલ રેટિંગ હોવાનું માનવામાં આવે છે. ટુર્નામેન્ટમાં ફાસ્ટ ક્લાસિકલ ગેમ્સ પણ રેટિંગમાં ગણાતી હતી. કાર્લસનનું રેટિંગ લગભગ 2801ની આસપાસ હતું. અગાઉની ગેમ્સમાં થયેલા નુકસાનને કારણે તે 2800ની નીચે જવાની નજીક હતો. જો તે છેલ્લી ગેમ રમે અને હારી જાય અથવા ડ્રો કરે તો તેના રેટિંગમાં વધુ ઘટાડો થઈ શકે તેમ હતો. આ ઉપરાંત, અમેરિકાના ફેબિયાનો કારુઆના સાથે વિશ્વના નંબર-1 સ્થાનની સ્પર્ધા પણ ચાલી રહી હતી. કાર્લસને નોર્વેના ટીવી ચેનલને કહ્યું હતું કે તેના મતે મુકાબલો જીતી લીધા પછી બાકી રહેલી ગેમનો કોઈ અર્થ નહોતો. તેણે કહ્યું કે જો આ વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી સ્પર્ધા હોત, જેમાં પરિણામનું મહત્વ હોય, તો તે સમજી શકાય; પરંતુ મુકાબલો પૂરો થઈ ગયો હોય તો પછીની ગેમ રમવાની જરૂર નથી.
ચેસ જગતમાં કાર્લસનના નિર્ણયની ટીકા
કાર્લસનના આ નિર્ણયની ચેસ જગતના અનેક લોકોએ ટીકા કરી હતી. FIDEના મુખ્ય કાર્યકારી સલાહકાર એમિલ સુતોવસ્કીએ આ વર્તનને ખેલદિલી વિનાનું ગણાવ્યું હતું. ભારતની ઓપન ચેસ ઓલિમ્પિયાડ ટીમના કેપ્ટન શ્રીનાથ નારાયણને પણ આ નિર્ણયની ટીકા કરતાં લખ્યું હતું કે રેટિંગ કરતાં પહેલાં ખેલદિલી અને સન્માનનું મહત્વ છે. બીજી તરફ, ટુર્નામેન્ટના આયોજકોએ કહ્યું હતું કે નિયમો બધા ખેલાડીઓ માટે સમાન છે. આયોજકોના જણાવ્યા અનુસાર, કાર્લસને રેફરી સાથે વાત કરીને ગેરહાજર રહેવાના પરિણામ વિશે જાણ્યું હતું. રેફરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગેમમાં વોકઓવર સિવાય વધારાનો દંડ આપવાનો નિર્ણય તેમની પાસે નહોતો; આયોજકો અલગથી કોઈ ફી વસૂલવા માગે તો તે તેમના નિર્ણય પર આધારિત છે.
હવે ફરી બિબિસારા સામે રમવાનો મુકાબલો
આ સ્પર્ધાના બે દિવસના નોકઆઉટ ફોર્મેટને કારણે કાર્લસન અને બિબિસારા 18 નવેમ્બરે ફરી સામસામે આવશે. બંને વચ્ચે ફરી ચાર બ્લિટ્ઝ, બે રેપિડ અને એક ફાસ્ટ ક્લાસિકલ ગેમ રમાશે. કાર્લસન માટે હવે બીજા દિવસનો મુકાબલો મહત્વનો રહેશે. જોકે, પ્રથમ દિવસે છેલ્લી ગેમ રમવાનો ઇનકાર કર્યા બાદ હવે તે બીજા દિવસે શું નિર્ણય લે છે તેના પર ચેસપ્રેમીઓની નજર રહેશે.
આ પણ વાંચો: ભારતીય કેપ્ટન સામે અપમાનજનક ઈશારો ! વીડિયો સામે આવ્યા બાદ AIFF એક્શનમાં