ભારતીય ફૂટબોલમાં અત્યારે એક વિવાદ ચર્ચામાં છે. મલેશિયાના કુઆલાલંપુરમાં 17 નવેમ્બરે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે એએફસી અંડર-17 એશિયન કપ 2027ની ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પેલેસ્ટાઇનને 4-1થી હરાવ્યું હતું. જોકે, મેચ દરમિયાન પેલેસ્ટાઇનના એક ખેલાડીએ ભારતીય કેપ્ટન સામે કથિત વંશીય ઈશારો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)એ એશિયન ફૂટબોલ સંઘ (AFC)માં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

ભારતીય કેપ્ટન સામે નાક પાસે હાથ ફેરવવાનો ઈશારો 

આ સમગ્ર વિવાદ પેલેસ્ટાઇનના અંડર-17 મિડફિલ્ડર તાહા સુએદાન સાથે જોડાયેલો છે. મેચના પ્રથમ હાફના વધારાના સમયમાં તે ભારતીય કેપ્ટન દલ્લાલમૌન ગાંગતેની નજીકથી પસાર થતી વખતે નાક પાસે હાથ ફેરવતો જોવા મળ્યો હતો. આ ઈશારાને ઘણા લોકોએ ભારતીય ખેલાડીઓની ગંધ ખરાબ હોવાનો સંકેત આપતા વંશીય અપમાન તરીકે જોયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન ગાંગતેએ મેદાન પર જ આ મામલે સુએદાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ રેફરીએ બંને ખેલાડીઓને બોલાવીને ચેતવણી આપી હતી.

https://x.com/TheRealDharm/status/2122624644859494839?a=MKoL0ML12viCgXroEx8&s=20

AIFFએ AFC પાસે તપાસની માગ કરી

આ ઘટનાને ગંભીરતાથી લેતાં AIFFએ 18 નવેમ્બરે AFCને સત્તાવાર ફરિયાદ મોકલી હતી. ભારતીય ફૂટબોલ સંઘે ફરિયાદમાં ઘટનાની સમીક્ષા કરવા, ઉપલબ્ધ મેચ ફૂટેજ તપાસવા અને લાગુ પડતા નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. AIFFએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે ફૂટબોલમાં કોઈપણ પ્રકારના વંશીય ભેદભાવ કે અપમાનજનક વર્તનને સ્વીકારી શકાય નહીં. ફૂટબોલની રમત આદર, સમાનતા, ખેલદિલી અને નિષ્પક્ષતા જેવા મૂલ્યો પર આધારિત છે. તેથી આવી ઘટનાઓ સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

પેલેસ્ટાઇનના ખેલાડીએ શું કહ્યું?

બીજી તરફ, તાહા સુએદાને પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું કે મલેશિયામાં વધુ ભેજ અને હવામાનને કારણે તેને અસ્વસ્થતા થઈ રહી હતી. નાક પાસે હાથ ફેરવવાની તેની હરકત પાછળ કોઈ વંશીય કે અપમાનજનક ઈરાદો નહોતો. તેણે એમ પણ જણાવ્યું કે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાથી તે આશ્ચર્યચકિત છે. ગાંગતેને મળીને પોતાની હરકતનો ખોટો અર્થ ન કાઢવા સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આમ, એક તરફ AIFFએ તપાસની માગ કરી છે, તો બીજી તરફ ખેલાડીએ પોતાનો ઈરાદો ખોટો ન હોવાનું કહ્યું છે. હવે AFCની તપાસ અને નિર્ણય પર સૌની નજર રહેશે.

મેદાન પર લાલ કાર્ડ, ભારતે 4-1થી મેચ જીતી

આ મેચમાં વિવાદ ઉપરાંત મેદાન પર બીજી ઘટના પણ બની હતી. પેલેસ્ટાઇનના ખેલાડી મોહમ્મદ જમહૂરને ભારતીય ખેલાડી રાજ સિંહ વહેંગબામને બે વખત લાત મારવા બદલ સીધું લાલ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ પછી પેલેસ્ટાઇનની ટીમ 10 ખેલાડીઓ સાથે રમવા મજબૂર બની હતી.

ભારત તરફથી કમગૌહાઓ ડોંગલે, મુકુંડો સિંહ નિંગથૌજમ, કેપ્ટન દલ્લાલમૌન ગાંગતે અને જોરામદિન્થારા લાલહુમાવિયાએ ગોલ કર્યા હતા. પેલેસ્ટાઇન તરફથી યઝાન ખલીફાએ પેનલ્ટીથી ગોલ કર્યો હતો. આ જીત સાથે ભારતે ગ્રુપ-ઈમાં સતત ત્રીજી જીત મેળવી હતી. હવે 20 નવેમ્બરે યજમાન મલેશિયા સામેની છેલ્લી મેચમાં ભારતને હારથી બચવું પડશે. આમ થતાં ભારતીય ટીમ અંડર-17 એશિયન કપ 2027 માટે ક્વોલિફાય થઈ જશે.

આ પણ વાંચો: BWF Rankings: ચાર વર્ષ બાદ પીવી સિંધુનો ધમાકો! ફરી વિશ્વની ટોપ-5માં એન્ટ્રી