ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં સિંધુ એક સ્થાન ઉપર ચઢીને વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે ચાર વર્ષ બાદ તેણે ફરી ટોપ-5માં સ્થાન મેળવ્યું છે. નવેમ્બર 2022 પછી પહેલીવાર સિંધુ વિશ્વની ટોચની પાંચ મહિલા ખેલાડીઓમાં સામેલ થઈ છે.
45 દિવસમાં 11મા સ્થાનેથી પાંચમા ક્રમે પહોંચી
સિંધુની આ વાપસી પાછળ 2026ની સીઝનમાં કરેલું શાનદાર પ્રદર્શન છે. છેલ્લા 45 દિવસમાં તેણે રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ લગાવી છે. અગાઉ તે 11મા ક્રમે હતી અને હવે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. નવી રેન્કિંગમાં સિંધુના 74,421 પોઇન્ટ છે. મહિલા સિંગલ્સમાં દક્ષિણ કોરિયાની એન સેઇયંગ પ્રથમ, જાપાનની અકાને યામાગુચી બીજા, ચીનની વાંગ ઝી યી ત્રીજા અને ચીનની ચેન યુ ફેઈ ચોથા ક્રમે છે. સિંધુ પાંચમા સ્થાને છે.
ત્રણ મોટા પરિણામોએ બદલી સિંધુની સ્થિતિ
2026માં સિંધુએ એક પછી એક મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે. જુલાઈમાં તેણે જાપાન ઓપન સુપર 750નો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે, ફાઇનલમાં તેને વિશ્વની નંબર-1 ખેલાડી એન સેઇયંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં હાર બાદ સિંધુએ જોરદાર વાપસી કરી હતી. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જર્મનીમાં યોજાયેલી હાયલો ઓપનમાં તેણે ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ડેનમાર્કની લાઇન હોજમાર્ક ક્યેરફેલ્ટને સીધી ગેમમાં 21-12, 21-14થી હરાવીને સિંધુએ આ સીઝનનો બીજો મોટો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત, 2026ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે પ્રી-ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી, જ્યારે એશિયન ગેમ્સમાં ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી. આ પરિણામોએ પણ તેની રેન્કિંગ સુધારવામાં મદદ કરી છે.
પાંચ વર્ષ બાદ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં રમશે
સિંધુ માટે આ સીઝનની બીજી મોટી સફળતા BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વોલિફાય થવાની છે. આ ટુર્નામેન્ટ 9થી 13 ડિસેમ્બર દરમિયાન ચીનના હાંગઝોઉમાં રમાશે. સિંધુ 2021 બાદ પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે. સિંધુએ 2018માં વર્લ્ડ ટૂર ફાઇનલ્સનો ખિતાબ જીત્યો હતો. હવે ચાર વર્ષ બાદ વિશ્વની ટોપ-5માં વાપસી કર્યા પછી તેની નજર ફરી એકવાર આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા પર રહેશે.
અન્ય ભારતીય ખેલાડીઓની રેન્કિંગ પણ સુધરી
મહિલા સિંગલ્સમાં ભારતની યુવા ખેલાડી તન્વી શર્મા 21મા ક્રમે છે. તે ટોપ-20માં પ્રવેશવાની નજીક છે. પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેન 11મા સ્થાને છે. જાપાન માસ્ટર્સ સુપર 500નો ખિતાબ જીત્યા બાદ તેની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. અનુભવી ખેલાડી કિદામ્બી શ્રીકાંત પણ ટોપ-30માં પાછો ફર્યો છે. પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી છઠ્ઠા ક્રમે યથાવત્ છે. જ્યારે મહિલા ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રિષા જોલી 19મા સ્થાને પહોંચી છે.
આ પણ વાંચો: IPL જેવી લીગ હવે અન્ય રમતોમાં પણ? સરકારનો મોટો પ્લાન, સમિતિની થઈ ગઈ રચના