ભારતમાં ક્રિકેટની IPL જેવી વ્યાવસાયિક લીગ અન્ય રમતોમાં પણ સફળ બને તે માટે કેન્દ્ર સરકારે તૈયારી શરૂ કરી છે. રમતગમત મંત્રાલયે 14 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. આ સમિતિનો હેતુ દેશની રમતગમત લીગને આર્થિક રીતે ટકાઉ બનાવવાનો, ખાનગી રોકાણ વધારવાનો અને ખેલાડીઓને નિયમિત સ્પર્ધાની તક આપવાનો છે.
IPLના COO હેમાંગ અમીન સહિત 14 સભ્યોની સમિતિ
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયે 18 નવેમ્બર, 2026ના રોજ આ સમિતિની રચના કરી છે. સંયુક્ત સચિવ (ગવર્નન્સ) કુણાલને સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. તેમાં ભારતીય ઓલિમ્પિક સંઘના CEO રઘુરામ અય્યર અને BCCIના IPLના COO હેમાંગ અમીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બી. શ્રીનિવાસન, GMR સ્પોર્ટ્સના પી.કે.એસ.વી. સાગર, અદાણી સ્પોર્ટ્સલાઇનના સંજય અડેસરા અને JSW સ્પોર્ટ્સના દિવ્યાંશુ સિંહ પણ સભ્ય છે. આ ઉપરાંત જિયો હોટસ્ટારના ઈશાન ચેટર્જી, સોની પિક્ચર્સના રાજેશ કૌલ, દૂરદર્શન સ્પોર્ટ્સના અનુપમ સ્વરૂપ, ઝી એન્ટરટેઇનમેન્ટના પરાગ દરાડે, BVLના અભિજિત ભટ્ટાચાર્ય અને વકીલ નંદન કામથને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવ વિનિલ કૃષ્ણ પણ તેના સભ્ય છે.
કઈ રમતો પર રહેશે સમિતિનું ખાસ ધ્યાન?
સમિતિ દેશની હાલની રમતગમત લીગની સ્થિતિનો અભ્યાસ કરશે. ભારતમાં કેટલીક લીગ સફળ થઈ છે, પરંતુ ઘણી રમતોમાં વ્યાવસાયિક લીગ શરૂ કરવામાં અને તેને લાંબા સમય સુધી ચલાવવામાં મુશ્કેલીઓ આવે છે. આર્થિક વ્યવસ્થા, પ્રાયોજકો અને દર્શકોની સંખ્યા જેવા મુદ્દાઓને કારણે અનેક લીગ ટકી શકતી નથી. આ સમસ્યાઓનો ઉકેલ શોધવા સમિતિ ખાસ કરીને ઓલિમ્પિક રમતો, મહિલા રમતો, યુવા રમતો, પરંપરાગત ભારતીય રમતો અને નવી ઉભરતી રમતો પર ધ્યાન આપશે. દરેક રમતની લોકપ્રિયતા અને વ્યાપારી ક્ષમતા પ્રમાણે લીગનું અલગ મોડેલ તૈયાર કરવાની ભલામણ કરવામાં આવશે.
સરકાર અને ખાનગી કંપનીઓ સાથે મળીને કરશે કામ
રમતગમત લીગને આર્થિક રીતે મજબૂત બનાવવા સરકારની મદદ સાથે ખાનગી કંપનીઓનું રોકાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે. સમિતિ સરકારી આર્થિક સહાય, નાણાકીય પ્રોત્સાહન અને સરકારી રમતગમત સુવિધાઓનો રાહત દરે ઉપયોગ જેવા વિકલ્પોનું મૂલ્યાંકન કરશે. આ ઉપરાંત કંપનીઓનું રોકાણ, ફ્રેન્ચાઇઝી માલિકી, પ્રાયોજકતા, ટીવી પ્રસારણના અધિકારો, ડિજિટલ અધિકારો અને કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) દ્વારા ભંડોળ મેળવવા માટેના રસ્તા પણ શોધવામાં આવશે.
સમિતિનો ઉદ્દેશ્ય માત્ર મોટી લીગ શરૂ કરવાનો નથી, પરંતુ તેને લાંબા સમય સુધી આર્થિક રીતે ચલાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનો છે. તેના કારણે રમતગમત સંચાલન, પ્રસારણ, ટેક્નોલોજી અને આયોજન ક્ષેત્રમાં રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે.
શાળાઓ અને કોલેજોથી જોડાશે રમતગમત લીગ
સમિતિ રમતગમત લીગને શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને સ્થાનિક ક્લબ સાથે જોડવા માટે પણ ભલામણ કરશે. તેનાથી યુવા ખેલાડીઓ અને મહિલાઓને શરૂઆતના સ્તરેથી જ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી શકે છે. આ ઉપરાંત લીગમાં નાણાકીય પારદર્શિતા, ખેલાડીઓનું કલ્યાણ અને રમતની વિશ્વસનીયતા જળવાય તે માટે યોગ્ય વહીવટી માળખું તૈયાર કરવાની જવાબદારી પણ સમિતિને સોંપવામાં આવી છે.
સમિતિ રાષ્ટ્રીય રમતગમત મહાસંઘો, હાલની લીગના અધિકારીઓ, રોકાણકારો અને રમતગમત ટેક્નોલોજી કંપનીઓ સાથે ચર્ચા કરી શકશે. તેને અંતિમ ભલામણો તૈયાર કરવા માટે આઠ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ તે પોતાનો અહેવાલ રમતગમત મંત્રાલયને સોંપશે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ લૉમાં પણ નિષ્ણાતો તૈયાર કરશે સરકાર! 13 યુનિવર્સિટીઓને મંડવિયાની સૂચના