ભારતમાં રમતગમતનું સ્તર સુધારવા અને ખેલાડીઓને વધુ સારી તાલીમ આપવા કેન્દ્ર સરકારે યુનિવર્સિટીઓને મોટી જવાબદારી સોંપવાની દિશામાં પગલાં લીધાં છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં દેશની 13 રમતગમત યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ લૉ અને સ્પોર્ટ્સ ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાતો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
13 યુનિવર્સિટીઓ સાથે મંડવિયાની બેઠક
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 18 નવેમ્બરે નવી દિલ્હીમાં દેશની 13 રમતગમત યુનિવર્સિટીઓના કુલપતિઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ દેશની રમતગમત યુનિવર્સિટીઓ વચ્ચે સહયોગ વધારવાનો અને રમતગમતના વિકાસ માટે એક સંકલિત વ્યવસ્થા ઊભી કરવાનો હતો. માંડવિયાએ જણાવ્યું હતું કે રમતગમત યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ આપતી સંસ્થાઓ બનીને ન રહે, પરંતુ સમગ્ર રમતગમત વ્યવસ્થાના કેન્દ્ર તરીકે વિકસે. તેમાં ખેલાડીઓ, કોચ, તાલીમ, સંશોધન, સ્પર્ધાઓ અને વિશ્વસ્તરીય સુવિધાઓનો એકસાથે વિકાસ થવો જોઈએ.
https://x.com/IndiaSports/status/2122964229741584442?a=x_u6KZL9p-ObwJimCQ8&s=20
દરેક યુનિવર્સિટી પોતાની વિશેષ ઓળખ બનાવે
માંડવિયાએ તમામ યુનિવર્સિટીઓને કોઈ ચોક્કસ રમત, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અથવા સંશોધન ક્ષેત્રમાં પોતાની વિશેષતા વિકસાવવા પ્રોત્સાહિત કરી હતી. દરેક યુનિવર્સિટી અલગ ક્ષેત્રમાં નિપુણતા મેળવે તો તેનો લાભ સમગ્ર દેશના રમતગમત ક્ષેત્રને મળી શકે છે. તેમણે યુનિવર્સિટીઓને એકબીજાની સાથે જ્ઞાન અને સંસાધનોની આપ-લે કરવા પણ જણાવ્યું હતું. કોચની આપ-લે, તાલીમની પદ્ધતિઓ અને સંશોધનના પરિણામો એકબીજા સાથે વહેંચવાથી ખેલાડીઓની તૈયારી વધુ સારી બની શકે છે. માંડવિયાએ સ્પષ્ટ કર્યું હતું કે યુનિવર્સિટીઓએ અલગ-અલગ રહીને કામ કરવાને બદલે સાથે મળીને રાષ્ટ્રીય રમતગમત વ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ.
સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ લૉમાં નિષ્ણાતો તૈયાર થશે
આ બેઠકમાં સૌથી મહત્ત્વનો મુદ્દો રમતગમત સાથે જોડાયેલા નવા વ્યવસાયિક ક્ષેત્રોનો હતો. માંડવિયાએ યુનિવર્સિટીઓને સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ લૉ અને સ્પોર્ટ્સ ટૂરિઝમ જેવા ક્ષેત્રોમાં વિશેષ અભ્યાસ અને તાલીમની વ્યવસ્થા વિકસાવવા જણાવ્યું હતું. સ્પોર્ટ્સ સાયન્સમાં ખેલાડીઓની શારીરિક ક્ષમતા, ફિટનેસ, ઈજા નિવારણ અને પ્રદર્શન સુધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભ્યાસ થાય છે. જ્યારે સ્પોર્ટ્સ લૉમાં રમતગમતના નિયમો, કરાર, ખેલાડીઓના અધિકારો અને રમતગમત સંસ્થાઓ સાથે જોડાયેલા કાયદાકીય મુદ્દાઓનો અભ્યાસ થાય છે. સ્પોર્ટ્સ ટૂરિઝમમાં રમતગમતની સ્પર્ધાઓ અને કાર્યક્રમો સાથે જોડાયેલા પ્રવાસન તથા આયોજનના ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં કુશળ લોકો તૈયાર થાય તો રમતગમત સાથે જોડાયેલી રોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે છે.
ખેલાડીઓ ઉપરાંત રમતગમતના નિષ્ણાતો પણ તૈયાર થશે
માંડવિયાએ કહ્યું હતું કે રમતગમત યુનિવર્સિટીઓએ માત્ર ખેલાડીઓ તૈયાર કરવા પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. રમતગમત વ્યવસ્થાપન, વહીવટ અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપી શકે તેવા વ્યાવસાયિકો પણ તૈયાર કરવા જોઈએ. આ બેઠકમાં રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે, રમતગમત વિભાગના સચિવ હરિ રંજન રાવ અને 13 યુનિવર્સિટીઓના કુલપતિઓ તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
સરકારનો હેતુ ભારતીય રમતગમત યુનિવર્સિટીઓને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો અને તેમને વિશ્વની અગ્રણી સંસ્થાઓની હરોળમાં સ્થાન અપાવવાનો છે.
આ પણ વાંચો: World Championships: ગુજરાતની સોનલબેન પટેલે રચ્યો ઇતિહાસ! ભારતને અપાવ્યો પ્રથમ મેડલ