ગુજરાતના વિરમગામના ચણોઠિયા ગામની પેરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલબેન પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ મેળવી છે. થાઇલેન્ડના પટાયામાં ચાલી રહેલી 2026 ITTF વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં તેમણે મહિલાઓની સિંગલ્સ ક્લાસ-3 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ તેમણે આ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ મેડલ જીતવાનો ઇતિહાસ રચ્યો છે.
સેમિફાઇનલમાં હાર છતાં બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો
સોનલબેન પટેલે મહિલાઓની સિંગલ્સ ક્લાસ-3 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની થાઇસ ફ્રાગા સેવેરોને સીધી ત્રણ ગેમમાં હરાવી હતી. તેમણે આ મુકાબલો 11-9, 11-4 અને 11-5ના સ્કોરથી જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે જ સોનલબેનનો મેડલ નિશ્ચિત થઈ ગયો હતો, કારણ કે પેરા ટેબલ ટેનિસની આ સ્પર્ધામાં સેમિફાઇનલમાં પહોંચેલા ખેલાડીઓને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ મળે છે. જોકે, બુધવારે રમાયેલી સેમિફાઇનલમાં ઇટાલીની કાર્લોટા રાગાઝિની સામે સોનલબેનને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. મુકાબલાનો સ્કોર 9-11, 11-6, 7-11 અને 5-11 રહ્યો હતો. આ હારને કારણે તેઓ ફાઇનલમાં પહોંચી શક્યાં નહીં, પરંતુ ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યાં.
કોરિયાની ખેલાડીને હરાવીને સેમિફાઇનલ સુધી પહોંચ્યાં
સોનલબેને ક્વાર્ટર ફાઇનલ પહેલાં પણ શાનદાર રમત બતાવી હતી. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેમણે દક્ષિણ કોરિયાની બે વખતની એશિયન ગેમ્સ મેડલ વિજેતા લી મી-ગ્યુને હરાવી હતી. આ મુકાબલામાં સોનલબેને 12-10, 4-11, 9-11, 11-9 અને 11-7થી જીત મેળવી હતી. શરૂઆતમાં પાછળ રહ્યા બાદ તેમણે વાપસી કરીને મુકાબલો પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ બ્રાઝિલની ખેલાડી સામે પણ સીધી ગેમમાં જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભાવિના પટેલ ક્વાર્ટર ફાઇનલમાં જ બહાર
આ સ્પર્ધામાં ભારતની અન્ય જાણીતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પણ મેદાનમાં હતાં. જોકે, મહિલાઓની સિંગલ્સ ક્લાસ-4-5 સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં તેમને ચીનની બિયાન ઝાંગ સામે 0-3થી હાર મળી હતી. ભાવિનાએ મુકાબલામાં 8-11, 7-11 અને 8-11થી ત્રણેય ગેમ ગુમાવી હતી. આ સાથે તેમની મેડલ જીતવાની આશા પૂરી થઈ હતી. પુરુષોની સિંગલ્સ ક્લાસ-3માં શુભમ વાધવા અને મહિલાઓની સિંગલ્સ ક્લાસ-9માં બેબી સહાના રવિ પણ રાઉન્ડ ઓફ 16માં બહાર થઈ ગયાં હતાં.
પટાયામાં ભારત માટે ઐતિહાસિક ટૂર્નામેન્ટ
2026 ITTF વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 13થી 19 નવેમ્બર દરમિયાન થાઇલેન્ડના પટાયા શહેરમાં યોજાઈ રહી છે. આ સ્પર્ધામાં કુલ 330 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 165 પુરુષ અને 165 મહિલા ખેલાડીઓ સામેલ છે. આ સ્પર્ધામાં વ્હીલચેર, સ્ટેન્ડિંગ અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા ખેલાડીઓ માટે અલગ-અલગ વર્ગોમાં મુકાબલા યોજાય છે. સોનલબેનની ઐતિહાસિક સિદ્ધિથી ભારતીય પેરા ટેબલ ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. ખાસ વાત એ છે કે આ મેડલ સાથે ભારતે પ્રથમ વખત આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોડિયમ પર સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: GTA 6 માટે હવે ગણતરીના કલાકો બાકી! ભારતમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે ગેમ