ગેમિંગની દુનિયાની સૌથી ચર્ચિત ગેમમાંની એક ‘ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6’ (GTA 6) લોન્ચ થવા જઈ રહી છે. ભારતમાં આ ગેમ 19 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12 વાગ્યે ઉપલબ્ધ થશે. લોન્ચ પહેલાં જ તેની કિંમત, પ્રી-લોડ અને સ્ટોરેજની જરૂરિયાતને લઈને ખેલાડીઓમાં ઉત્સુકતા વધી છે.

ભારતમાં ક્યારે શરૂ થશે GTA 6?

રોકસ્ટાર ગેમ્સની નવી ગેમ GTA 6નું લોન્ચિંગ 19 નવેમ્બર, 2026ના રોજ નક્કી કરવામાં આવ્યું છે. કંપનીના રિલીઝ શેડ્યૂલ પ્રમાણે અલગ-અલગ દેશોમાં સ્થાનિક સમય પ્રમાણે મધરાતે ગેમ અનલોક થશે. ભારતમાં 19 નવેમ્બરની શરૂઆત થતાં જ એટલે કે 18 નવેમ્બરની રાત પૂરી થઈને 19 નવેમ્બરના 12 વાગ્યે ખેલાડીઓ ગેમ રમવાનું શરૂ કરી શકશે. આ ગેમ પ્લેસ્ટેશન 5 અને એક્સબોક્સ સિરીઝ X|S માટે ઉપલબ્ધ થશે. હાલમાં PC માટે ગેમ લોન્ચ કરવાની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. એટલે કમ્પ્યુટર પર GTA 6 રમવાની રાહ જોઈ રહેલા ખેલાડીઓએ હજુ રાહ જોવી પડશે.

GTA 6ની ભારતમાં કેટલી છે કિંમત?

ભારતમાં GTA 6ની બે ડિજિટલ આવૃત્તિ ઉપલબ્ધ છે. પ્લેસ્ટેશન સ્ટોર પર તેની સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ₹5,999 રાખવામાં આવી છે, જ્યારે અલ્ટિમેટ એડિશન માટે ₹7,499 ચૂકવવા પડશે. એક્સબોક્સ સ્ટોર પર પણ ગેમની શરૂઆતની કિંમત ₹5,999 છે. સ્ટાન્ડર્ડ એડિશનમાં મુખ્ય ગેમ મળશે. જ્યારે અલ્ટિમેટ એડિશનમાં વધારાની વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં ખાસ વાહનો, હથિયારો, પાત્રોને પોતાની પસંદ પ્રમાણે તૈયાર કરવાના વિકલ્પો અને અન્ય ઇન-ગેમ સામગ્રી સામેલ છે. પ્લેસ્ટેશન સ્ટોરની માહિતી પ્રમાણે 19 નવેમ્બર પહેલાં ડિજિટલ આવૃત્તિ ખરીદનારા ખેલાડીઓને વિન્ટેજ વાઇસ સિટી પેક અને એક મહિનાનું GTA+ સભ્યપદ પણ મળી શકે છે. GTA+ સભ્યપદની શરતો લાગુ પડશે.

ડાઉનલોડ કરતાં પહેલાં 212 GB જગ્યા ખાલી રાખજો

GTA 6ની પ્રી-લોડ સુવિધા 10 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જેમણે ગેમનું પ્રી-ઓર્ડર કર્યું છે તેઓ તેને લોન્ચ પહેલાં જ પોતાના કન્સોલમાં ડાઉનલોડ કરી શકે છે. આ સુવિધાથી લોન્ચના દિવસે લાંબા ડાઉનલોડની રાહ જોવી નહીં પડે. જોકે, ગેમ અગાઉથી ડાઉનલોડ કરી લેવાથી તેને સમય પહેલાં રમી શકાશે નહીં. 19 નવેમ્બરે નિર્ધારિત સમય થતાં જ ગેમ અનલોક થશે. ગેમ ડાઉનલોડ કરવા માટે કન્સોલમાં 212 GB સુધીની ખાલી જગ્યા રાખવાની જરૂર પડી શકે છે. તેથી ખેલાડીઓએ પોતાના પ્લેસ્ટેશન 5 અથવા એક્સબોક્સમાં સ્ટોરેજ તપાસી લેવું જોઈએ.

વાઇસ સિટી અને લિયોનિડાની દુનિયામાં મળશે નવી વાર્તા

GTA 6ની વાર્તા વાઇસ સિટી અને તેની આસપાસના લિયોનિડા વિસ્તારમાં આગળ વધશે. આ ગેમમાં જેસન અને લુસિયા મુખ્ય પાત્રો છે. બંને ગુનાખોરીની દુનિયામાં ફસાઈ જાય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે એકબીજા પર આધાર રાખે છે.

લાંબા સમયથી GTA સિરીઝની નવી ગેમની રાહ જોઈ રહેલા ખેલાડીઓ માટે 19 નવેમ્બરનો દિવસ ખાસ બનવાનો છે. હવે ભારતમાં ખેલાડીઓએ ગેમ શરૂ થવા માટે માત્ર રાત્રે 12 વાગ્યા સુધી રાહ જોવાની છે.

આ પણ વાંચો: GTA 6એ રિલીઝ પહેલાં જ રચ્યો ઇતિહાસ! Metacritic પર મળ્યો 99નો સ્કોર, 28 વર્ષ જૂનો રેકોર્ડ કર્યો બરાબર