ગેમિંગની દુનિયામાં વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે GTA 6 હવે ચર્ચામાં છે. ગેમ રિલીઝ થાય તે પહેલાં જ તેના રિવ્યૂ સામે આવ્યા છે અને Metacritic પર તેને 100માંથી 99 સ્કોર મળ્યો છે. આ સ્કોર સાથે તેણે 1998માં આવેલી 'ધ લેજન્ડ ઑફ ઝેલ્ડા: ઓકારિના ઑફ ટાઇમ'ની બરાબરી કરી છે.
99નો સ્કોર મળતાં ગેમિંગ જગતમાં ચર્ચા
રૉકસ્ટાર ગેમ્સની GTA 6ને સમીક્ષકો તરફથી અત્યાર સુધીનો શાનદાર પ્રતિસાદ મળ્યો છે. Metacritic પર પ્લેસ્ટેશન 5 વર્ઝનને 100 સમીક્ષાઓના આધારે 99નો સ્કોર મળ્યો હતો. Xbox Series X વર્ઝનને પણ 99નો સ્કોર મળ્યો, જોકે તેના માટે સમીક્ષાઓની સંખ્યા ઓછી હતી. Metacriticએ બંને વર્ઝનને 'યુનિવર્સલ એક્લેમ'નું લેબલ આપ્યું છે. તેનો અર્થ એ છે કે અત્યાર સુધીની સમીક્ષાઓમાં ગેમને અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જોકે આ સ્કોર બદલાઈ શકે છે, કારણ કે હજુ વધુ સમીક્ષાઓ ઉમેરાઈ રહી છે.
28 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી
GTA 6નો 99નો સ્કોર ગેમિંગ ઇતિહાસમાં ખાસ છે. 1998માં આવેલી 'ધ લેજન્ડ ઑફ ઝેલ્ડા: ઓકારિના ઑફ ટાઇમ' પણ Metacritic પર 99ના સ્કોર સાથે ટોચના સ્થાને છે. GTA 6એ હાલ આ સ્કોરની બરાબરી કરી છે. રૉકસ્ટારની અગાઉની ગેમ્સમાં GTA 4નો સર્વોચ્ચ સ્કોર 98 રહ્યો હતો. જ્યારે GTA 5 અને રેડ ડેડ રિડેમ્પશન 2ને 97નો સ્કોર મળ્યો હતો. આ રીતે GTA 6એ પોતાની જ કંપનીની અગાઉની લોકપ્રિય ગેમ્સને પાછળ છોડી દીધી છે.
IGN અને GameSpot સહિતની ગેમિંગ વેબસાઇટ્સે આપ્યા પૂરા માર્ક્સ
GTA 6ને અનેક જાણીતી ગેમિંગ વેબસાઇટ્સે સંપૂર્ણ ગુણ આપ્યા છે. IGN, VGC, Forbes, GameSpot, Digital Spy, TechRadar અને ScreenRant જેવી વેબસાઇટ્સે તેને 10માંથી 10 રેટિંગ આપ્યું છે. બીજી તરફ Empire અને Eurogamer જેવી વેબસાઇટ્સે 5માંથી 5 સ્ટાર આપ્યા છે. સમીક્ષકો ખાસ કરીને ગેમની વિશાળ દુનિયા, ગ્રાફિક્સ, વાર્તા અને પાત્રોની રજૂઆતથી પ્રભાવિત થયા છે.
જેસન અને લુસિયાની કહાની બની આકર્ષણ
GTA 6ની વાર્તામાં જેસન ડુવાલ અને લુસિયા કામિનોસ મુખ્ય પાત્રો છે. સમીક્ષકોએ બંને વચ્ચેના સંબંધો અને તેમની વાર્તાની રજૂઆતને ખાસ વખાણી છે. ગેમની દુનિયા લિયોનિડા નામના કાલ્પનિક અમેરિકન રાજ્યમાં રચવામાં આવી છે. તેમાં વિશાળ ખુલ્લી દુનિયા, વિવિધ પ્રવૃત્તિઓ, વધુ જીવંત વાતાવરણ અને સુધારેલી ગેમપ્લે સિસ્ટમ જોવા મળે છે.
GTA 6નું લોન્ચિંગ 19 નવેમ્બર 2026ના રોજ પ્લેસ્ટેશન 5 અને Xbox Series X|S માટે નક્કી કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડમાં સ્થાનિક સમય પ્રમાણે ગેમ પહેલેથી રમવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. હવે ખેલાડીઓના રિવ્યૂ અને ગેમના વેચાણના આંકડા પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: India vs Pakistan Football : ભારતે પાકિસ્તાનને હરાવી 10મી વખત જીત્યો SAFFનો ટાઇટલ