મધ્યપ્રદેશના છિંદવાડાના યુવા નિશાનબાજ જયપાલ માલવિયાએ સંઘર્ષ અને સતત મહેનતના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી છે. કતારના દોહામાં યોજાયેલી આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026માં પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતીને તેમણે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ભારતનો પ્રથમ શૂટિંગ ક્વોટા મેળવ્યો છે. નાનકડા ગામડામાં રહેલા યુવકે પુરતા સંસાધનો વગર પણ સંઘર્ષ કરીને ઓલિમ્પિકની ટિકિટ મેળવીને ઐતિહાસિક સિદ્ધી મેળવી છે
ગામના મેળામાં ફુગ્ગા ફોડવાથી શરૂઆત
જયપાલે બાળપણમાં દિવાળી બાદ ગામડાંમાં યોજાતા મેળામાં ફુગ્ગા ફોડવાની બંદૂકથી નિશાન લગાવવાનું શરૂ કર્યું હતું. તેમનું નિશાન સચોટ રહેતું હોવાથી ધીમે ધીમે તેમને નિશાનબાજીમાં રસ જાગ્યો. આ રસ સમય જતાં તેમના જીવનનું લક્ષ્ય બની ગયો.

ઘઉં વેચીને ખરીદી જૂની પિસ્તોલ
જયપાલની સફળતા પાછળ સંઘર્ષની લાંબી કહાની છે. તેમણે શરૂઆતમાં એક નાના ઓરડામાં અભ્યાસ કર્યો હતો. સાધનો ખરીદવા માટે પૂરતા પૈસા ન હોવાથી તેમણે પોતાના ખેતરનું ઘઉં વેચીને જૂની પિસ્તોલ ખરીદી હતી. તે સમયે તેઓ વહીવટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરતા હતા. તેમના શૂટિંગ કરિયર વિશે પરિવારનાં માતા-પિતાને પણ જાણ નહોતી.
એનસીસીથી લઈને ભારતીય રમત પ્રાધિકરણ સુધીની તાલીમ
ડીડીસી કોલેજમાં અભ્યાસ દરમિયાન આર.કે. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ તેમણે એનસીસી જોઈન કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય શિબિર સહિત અનેક તાલીમ શિબિરોમાં ભાગ લીધો. કોરોના કાળ બાદ તેમણે શૂટિંગને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ભારતીય રમત પ્રાધિકરણની ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં તાલીમ મેળવી અને ખુલ્લી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો.

242.2 પોઇન્ટ સાથે જીત્યો રજત ચંદ્રક
દોહામાં યોજાયેલી આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જયપાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં 242.2 પોઇન્ટ મેળવી બીજું સ્થાન મેળવ્યું હતું. ચીનના ખેલાડી હુ કાઈએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે જયપાલે રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો.
https://www.instagram.com/reel/Dfo_KgqjknS/?utm_source=ig_web_button_share_sheet
ઓલિમ્પિક ક્વોટા દેશના નામે હોય છે
5 નવેમ્બરે મળેલી આ સફળતા સાથે તેમણે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ભારતનો પ્રથમ શૂટિંગ ક્વોટા મેળવ્યો. જોકે, ઓલિમ્પિક ક્વોટા દેશના નામે હોય છે અને અંતિમ પસંદગી નિર્ધારિત પસંદગી પ્રક્રિયા અનુસાર થશે.

આધ્યાત્મિકતાથી એકાગ્રતા વધારી
જયપાલના મતે નિશાનબાજીમાં ટેક્નિકની સાથે ધીરજ અને એકાગ્રતા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ચૌરાગઢ મહાદેવ મંદિરના સંત ગરીબદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ તેમનો આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ વધ્યો હતો. તેઓ માને છે કે આધ્યાત્મિક અભ્યાસથી મન શાંત રાખવામાં અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે.
યુવાનો માટે પ્રેરણારૂપ
ગામના મેળામાં ફુગ્ગા ફોડવાથી શરૂ થયેલી સફર, ઘઉં વેચીને ખરીદેલી જૂની પિસ્તોલ અને નાના ઓરડામાં કરેલી મહેનત આજે આંતરરાષ્ટ્રીય સફળતામાં બદલાઈ છે. જયપાલ માલવિયાની આ સિદ્ધિ મર્યાદિત સંસાધનો વચ્ચે મોટા સપનાં જોતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.
આ પણ વાંચો : Crime : રસગુલ્લો હોવાનું કહીને મોંઢામાં મુકી દીધો બોમ્બ, વિસ્ફોટમાં 35 વર્ષીય યુવકનું મોત, પોલીસ તપાસમાં લાગી