અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર પોતાની ઓળખ વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. અમદાવાદ શહેરમાં 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે.આ સ્પર્ધામાં કોમનવેલ્થના વિવિધ દેશોના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ ભાગ લેશે.કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં અંદાજે 45 દેશોના ખેલાડીઓ ભાગ લે તેવી આશા રાખવામાં આવી રહી છે. ખેલાડીઓ 5 અલગ-અલગ ક્યૂ સ્પોર્ટ્સ શાખામાં કુલ 10 મેડલ ઇવેન્ટ્સ માટે સ્પર્ધા કરશે.
આ ચેમ્પિયનશિપમાં સ્નૂકર, ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હેબોલ અને 10-બોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાનું આયોજન વર્લ્ડ કન્ફેડરેશન ઓફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન આ સમગ્ર આયોજનની જવાબદારી સંભાળશે.
ભારતમાં પ્રથમ વખત યોજાશે ચેમ્પિયનશિપ
કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની પ્રથમ સીઝન વર્ષ 2025માં મોરેશિયસમાં યોજાઈ હતી. હવે બીજી સીઝનનું આયોજન ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ સ્પર્ધાને કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા પણ સમર્થન મળ્યું છે. આ વખતે સ્પર્ધાના કાર્યક્રમમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ સીઝનમાં 4 શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે અમદાવાદમાં યોજાનારી ચેમ્પિયનશિપમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. તમામ 5 શાખામાં પુરુષો અને મહિલાઓ માટે અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે. દરેક શાખામાં પુરુષો અને મહિલાઓના 16-16 ખેલાડીઓ ભાગ લેશે. જોકે ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં બંને વર્ગમાં 8-8 ખેલાડીઓને તક આપવામાં આવશે.
2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટું આયોજન
અમદાવાદમાં આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યું છે. તેથી આ સ્પર્ધાને શહેરના રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. વર્લ્ડ પૂલ એસોસિએશનના પ્રમુખ ઈશૌન સિંહે જણાવ્યું કે, અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી મહત્વનું સ્થાન બનાવી રહ્યું છે. તેમના મતે ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સનો સમૃદ્ધ ઇતિહાસ છે, અને દેશ ભવિષ્યમાં વિશ્વના અગ્રણી ક્યૂ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સ્થાન મેળવી શકે છે.
ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે મોટી તક
બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ એસ. બાલાસુબ્રમણિયમે કહ્યું કે, અમદાવાદમાં આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગૌરવની વાત છે. 45 દેશોના ખેલાડીઓની હાજરીથી ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે ઉચ્ચ સ્તરની સ્પર્ધાનો અનુભવ મળશે. આ ચેમ્પિયનશિપથી ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સને વધુ લોકપ્રિયતા મળવાની સાથે ખેલાડીઓ, રમતગમતના સાધનો બનાવતી કંપનીઓ,આયોજકો અને અન્ય ક્ષેત્રોને પણ નવી તકો મળી શકે છે. ખાસ કરીને હેબોલ અને અન્ય પૂલ શાખાઓમાં ભારતમાં વધી રહેલા રસને આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી વધુ વેગ મળવાની આશા છે.
આ પણ વાંચો - China Masters 2026 Badminton : કિદામ્બી શ્રીકાંતનો જલવો, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મેળવી એન્ટ્રી!