પાકિસ્તાન ક્રિકેટ ટીમના 33 વર્ષીય બેટ્સમેન આસિફ અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એશિયા કપ માટે પસંદ કરાયેલી પાકિસ્તાન ટીમમાં પસંદગીકારો દ્વારા તેમના નામની ચર્ચા કરવામાં આવી ન હતી. આસિફ અલીએ મેન ઇન ગ્રીન માટે 21 વનડે અને 58 ટી20 મેચ રમી છે. તેણે 1 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
અફઘાનિસ્તાનના ફરીદ મલિકને મારવા માટે બેટ લઇને દોડ્યો હતો
તે એશિયા કપ 2022 માં અફઘાનિસ્તાનના ફરીદ મલિકને મારવા માટે બેટ લઇને દોડ્યો હતો તેથી ક્રિકેટ ફેન્સ પણ ચોંકી ગયા હતા. આસિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, કે “પાકિસ્તાનની જર્સી પહેરવી એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે, અને ક્રિકેટના મેદાન પર મારા દેશની સેવા કરવી એ મારા માટે સૌથી ગર્વનો અધ્યાય રહ્યો છે. હું ખૂબ જ કૃતજ્ઞતા સાથે નિવૃત્તિ લઈ રહ્યો છું અને ઘરેલુ અને લીગ ક્રિકેટ રમીને રમત પ્રત્યેના મારા જુસ્સાને શેર કરતો રહીશ.
આસિફે 1 એપ્રિલ 2018 ના રોજ પહેલી T20 મેચ રમી હતી
આસિફે 1 એપ્રિલ 2018 ના રોજ કરાચીમાં રમાયેલી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 1992 ના વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે તેની છેલ્લી મેચ 7 ઓક્ટોબર 2023 ના રોજ હાંગઝોઉમાં બાંગ્લાદેશ સામે હતી.
આસિફે 16 ODI ઇનિંગ્સમાં 382 રન અને 51 T20 ઇનિંગ્સમાં 577 રન બનાવ્યા
પાંચ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, આસિફે 16 ODI ઇનિંગ્સમાં 382 રન અને 51 T20 ઇનિંગ્સમાં 577 રન બનાવ્યા હતા. T20 માં તેનો સ્ટ્રાઇક રેટ 133.87 હતો. તે 2021 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમનો ભાગ હતો અને 29 ઓક્ટોબરે દુબઈમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં તેણે માત્ર 7 બોલમાં 25 રન બનાવ્યા હતા.
આસિફ 2018 અને 2022ના એશિયા કપમાં પણ પાકિસ્તાન માટે રમ્યો હતો
તે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત સામે 2021ના ટી20 વર્લ્ડ કપ મેચમાં પણ રમ્યો હતો, જેમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમે 10 વિકેટથી જીત મેળવી હતી. આસિફ 2018 અને 2022ના એશિયા કપમાં પણ પાકિસ્તાન માટે રમ્યો હતો.