ક્રિકેટ જગતમાં વડોદરાનું ઘણું યોગદાન છે. વડોદરાએ ટીમ ઇન્ડિયાને ઘણા સારા ક્રિકેટર આપ્યા છે. અહીં આજે અમારે વાત કરવી છે પઠાણ બંધુઓની. ગ્રાઉન્ડ પર બોલ અને બેટથી વિરોધી ટીમોની હાલત ખરાબ કરી દેનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરો અને બરોડીયન કહેવાતા ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણને નાનપણથી જ એકબીજા સાથે ગાઢ પ્રેમ છે. બંને ભાઇઓએ ક્રિકેટ જગતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઇરફાન પઠાણ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હતા. હમણા જ તેમણે એક યુ ટ્યુબ ચેનલને ઇન્ટરવ્યું આપ્યો હતો અને તેમાં ઘણી વાતો કરી છે.


ઇરફાને પોતાના બાળપણની એક વાત કહી

 એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં, ઇરફાને પોતાના બાળપણની એક વાત કહી હતી જે ક્રિકેટ ફેન્સને ગમી ગઇ છે. ઇરફાને ખુલાસો કર્યો કે તેણે તેના મોટા ભાઈ યુસુફ પઠાણ માટે કેવી રીતે તેમની જ વયના એક યુવક સાથે જોરદાર ઝઘડો કરીને લડાઇ કરી હતી અને પોલીસ કેસમાંથી માંડ બચી ગયા હતા.

માંડવી પાસે એક યુવક સાથે ઝઘડો થયો

જ્યારે આ ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય બાળપણમાં લડાઈ કરી હતી? આ પ્રશ્નના જવાબમાં, તેમણે યાદ કર્યું કે એકવાર મારા ભાઈ યુસુફને અમારા વિસ્તારમાં માંડવી પાસે એક યુવક ઝઘડો થયો હતો. મેં જોયું કે તે ગુસ્સામાં ઘરમાં આવ્યો હતો અને તેના કપડાં ફાટી ગયા હતા, તેથી હું પણ દોડી ગયો અને અમે બંનેએ રસ્તા પર પેલા યુવકને માર માર્યો.

નહીંતર, પોલીસ કેસ દાખલ થયો હોત.

તેમણે કહ્યું કે અમે ત્યારે 10-12 વર્ષના હોઈશું. અમે તેને ખૂબ માર માર્યો હતો. જો કે અમારુ નસીબ હતું કે અમારી સામેના છોકરાના પિતા અમારા પિતાના મિત્ર નીકળ્યા અને અમે બચી ગયા. નહીંતર, પોલીસ કેસ દાખલ થયો હોત.

 મારા ભાઈની લડાઈ હતી

જ્યારે પત્રકારે પૂછ્યું કે આ લડાઈ કેમ કરી હતી, ત્યારે ઇરફાને તરત જ કહ્યું, 'કોઈ વાંધો નથી સાહેબ, તે મારા ભાઈની લડાઈ હતી. પછી પુછવાનું ના હોય કે શું થયું છે.. શું સાચું છે કે ખોટું. કંઈ જ નહીં. જો ભાઈ કહે કે આપણે જવું પડશે તો આપણે જવું જ પડશે. પછી તમારે પૂછવાનું પણ ના હોય. ઘણી વાર કંઈ કહેવાની જરૂર નથી.

મેં મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. મેં ઘણા મિત્રોને આવતા-જતા જોયા છે પણ એક વ્યક્તિ સતત રહે છે અને તે મારો ભાઈ છે. તે મારો ભાઈ નથી, તે મારું જીવન છે. જો તે મારો જીવ માંગે છે તો મારો જીવ પણ આપી દઉં. તે જાણશે કે હું આ વસ્તુ ઇચ્છું છું અને તે ક્યારેય પૂછશે નહીં.

તે સિસ્ટમની ચાવી અમારા પિતા પાસે છે.

જો ઇરફાન પઠાણ પર વિશ્વાસ કરવામાં આવે તો, તેમણે તેના મોટા ભાઈ યુસુફની ઘડિયાળો પહેરી હતી. તેમણે ઘણા વર્ષો સુધી તેના જૂતા પહેર્યા હતા. તે કહે છે, 'જો હું 100 રૂપિયા પણ કમાઉ છું તો 50 મારા ભાઈના છે. જો મારો ભાઈ મારા કંઈ કહ્યા વિના 100 કમાય છે તો 50 મારા છે.' આ સિસ્ટમ અમારા ઘરમાં ચાલે છે અને તે સિસ્ટમની ચાવી અમારા પિતા પાસે છે.

હાલ બંને ભાઇનું કાર્યક્ષેત્ર અલગ અલગ

અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ બંનેએ ભારતીય ટીમને 2007નો T-20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી. નિવૃત્તિ પછી, ઇરફાન કોમેન્ટ્રી અને પ્રસારણમાં જોડાયા છે જ્યારે યુસુફ TMC ટિકિટ પર પશ્ચિમ બંગાળથી સાંસદ તરીકે ચૂંટાયા છે

  • Follow us on: