ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટી20 સીરિઝની બીજી મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 209 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે તેમણે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ઈશાન કિશન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ મેચમાં ઈશાન કિશનએ 76 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન સૂર્યાએ 82 રનની અણનમ ઈનિંગ રમી હતી.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે 24 ઇનિંગ્સ પછી અડધી સદી ફટકારી

આ મેચ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે યાદગાર રહી, કારણ કે તેણે 24 ઇનિંગ્સ પછી અડધી સદી ફટકારી. તેણે 37 બોલમાં અણનમ 82 રન બનાવ્યા, જેમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. તેની છેલ્લી અડધી સદી ઓક્ટોબર 2024 માં બાંગ્લાદેશ સામે આવી હતી, જેમાં તેણે 75 રન બનાવ્યા હતા.

ટીમ ઇન્ડિયાએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

ભારતીય ટીમે બીજી T20I 28 બોલ બાકી રહેતા જીતી લીધી. ભારતે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં 200 થી વધુના લક્ષ્યનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ, 200 થી વધુના લક્ષ્યનો સૌથી ઝડપી પીછો કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો, જેણે 24 બોલ બાકી રહેતા કિવી ટીમને હરાવી હતી.

રચિન રવિન્દ્રએ પણ 44 રન બનાવ્યા 

આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 27 બોલમાં 47 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે રચિન રવિન્દ્રએ પણ 44 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કુલદીપ યાદવે બે વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી.


  • Follow us on: