સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામેની T20I સીરિઝમાં 3-0 ની અજેય સરસાઈ મેળવીને દબદબો બનાવી લીધો છે. હવે સીરિઝની ચોથી મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.સીરિઝ પર કબ્જો જમાવ્યા બાદ હવે ટીમ મેનેજમેન્ટ બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાના મૂડમાં છે, જેના કારણે આગામી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા અને મહત્વના ફેરફારો જોવા મળી શકે છે.
સંજુ સેમસન થશે બહાર
ટીમમાં સૌથી મોટો ફેરફાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને લઈને થઈ શકે છે. સીરિઝની શરૂઆતી ત્રણેય મેચોમાં સંજુનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે.આંકડા પર નજર કરીએ તો, નાગપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં તે માત્ર 10 રન બનાવી શક્યો હતો, જ્યારે બીજી મેચમાં 6 રન અને ત્રીજી મેચમાં તો તે 'ગોલ્ડન ડક' એટલે કે શૂન્ય પર આઉટ થયો હતો.આવી સતત નિષ્ફળતા બાદ હવે સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂકવામાં આવે તે લગભગ નક્કી છે. તેના સ્થાને સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને તક આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ઐયર અત્યાર સુધી બેન્ચ પર બેસી રહ્યો હતો, પરંતુ હવે તેને ટીમમાં સ્થાન મળી શકે છે, જે મિડલ ઓર્ડરને મજબૂતી આપશે.
ઓલરાઉન્ડર વિભાગમાં ફેરફાર થશે
બીજો મહત્વનો ફેરફાર ઓલરાઉન્ડર વિભાગમાં જોવા મળશે. પ્રથમ T20I મેચમાં આંગળીમાં ઈજા થવાને કારણે ટીમમાંથી બહાર થયેલા અક્ષર પટેલ હવે સંપૂર્ણ ફિટ થઈ ગયો છે. અક્ષર પટેલની વાપસીથી ટીમના સ્પિન આક્રમણને અને લોઅર ઓર્ડર બેટિંગને ઊંડાણ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, શિવમ દુબેના સ્થાને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવી શકે છે.ભારતે સીરિઝ જીતી લીધી હોવાથી હવે ટીમ પર હાર-જીતનું કોઈ દબાણ નથી. તેથી, કોચ અને કેપ્ટન બાકીના ખેલાડીઓને અજમાવી શકે છે. સંજુ સેમસનની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી ઈશાન કિશનસંભાળશે તે લગભગ નક્કી છે. ટીમ હવે ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11 :
અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને જસપ્રીત બુમરાહ.
આ પણ વાંચો - IND vs NZ 4th T20I: વિશાખાપટ્ટનમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો પિચ રિપોર્ટ