રાયપુરમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી T20I આંતરરાષ્ટ્રીય મેચમાં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે બોલરોની ધોલાઈ કરીને હાઇ-સ્કોરિંગ મેચને એકતરફી જીતમાં ફેરવી દીધી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતે માત્ર 15.2 ઓવરમાં 209 રન બનાવીને લક્ષ્યાંકનો પીછો કર્યો. આ સાથે ભારતે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. હકીકતમાં ભારત આ ફોર્મેટમાં 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર સૌથી ઝડપી ટીમ બની. ભારતે 92 બોલમાં 209 રન બનાવ્યા અને 28 બોલ બાકી રાખીને જીત મેળવી.
ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો
ભારત T20 ક્રિકેટમાં સૌથી વધુ બોલ બાકી રાખીને 200થી વધુ રનના લક્ષ્યનો પીછો કરનાર પ્રથમ પૂર્ણ સભ્ય દેશ બન્યો. ભારતે પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો, પાકિસ્તાને 2025માં ન્યુઝીલેન્ડ સામે 24 બોલ બાકી રાખીને 205 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. 2025માં વેસ્ટ ઈન્ડિઝ સામે 23 બોલ બાકી રાખીને જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા આ યાદીમાં ત્રીજા સ્થાને છે.ભારત 200થી વધુ લક્ષ્યનો પીછો કરનાર દેશોમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી છ વખત આ સિદ્ધિ મેળવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ સાત વખત આ સિદ્ધિ મેળવી છે. દક્ષિણ આફ્રિકા (5), પાકિસ્તાન (4), અને ઈંગ્લેન્ડ (3) આ યાદીમાં અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.
સૌથી મોટા લક્ષ્યનો સફળ પીછો
ભારતે આ મેચમાં આ ફોર્મેટમાં સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો. ટીમ ઇન્ડિયાએ 2023માં ઓસ્ટ્રેલિયા સામે 209 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. 2018માં વેસ્ટ ઇન્ડીઝ સામે પણ 208 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. ભારતે 2009માં શ્રીલંકા (207 રન), 2020માં ન્યુઝીલેન્ડ (204 રન) અને 2013માં ઓસ્ટ્રેલિયા (202 રન) સામે 200+ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો.
ન્યુઝીલેન્ડનું કામ ઇશાન અને સૂર્યાના તોફાનથી પૂર્ણ થયું
મેચની વાત કરીએ તો, ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, ન્યુઝીલેન્ડે 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 27 બોલમાં 47 રન બનાવ્યા, જ્યારે રચિન રવિન્દ્રએ 44 રન બનાવ્યા. ભારત માટે કુલદીપ યાદવે સૌથી વધુ બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી. જવાબમાં ભારતની શરૂઆત નબળી રહી અભિષેક શર્મા અને સંજુ સેમસન 6 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધા. જોકે, ત્યારબાદ ઇશાન કિશને 32 બોલમાં ચાર છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 76 રન બનાવીને ગેમ બદલી નાખી. ઇશાનના આઉટ થયા પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે કિવી બોલરો પર હુમલો કર્યો. તેણે 37 બોલમાં અણનમ 82 રન બનાવીને ટીમને જીત અપાવી. શિવમ દુબેએ પણ તોફાની રીતે 18 બોલમાં અણનમ 36 રન બનાવ્યા.
આ પણ વાંચો - Video : શું હાર્દિક પંડ્યા-મુરલી કાર્તિક વચ્ચે બબાલ થઈ? હાથમાં બેટ લઇને...!