ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની બીજી મેચ હોબાર્ટ મેદાન પર રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 5 વિકેટથી જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ લક્ષ્ય 36.1 ઓવરમાં માત્ર 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું, જેનાથી સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી.
હરમનપ્રીત કૌરની શાનદાર પારી
આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી. મંધાના 37 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલી જેમીમા રોડ્રિગ્સ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પાછી ફરી. પ્રતિકા પણ 81 બોલમાં છ ચોગ્ગા સાથે 52 રન બનાવીને આઉટ થઈ ગઈ, અને ભારતનો ઇનિંગ ડગમગી ગયો. દીપ્તિ શર્મા (1) અને અમનજોત કૌર (13) સસ્તામાં આઉટ થઈ ગઈ, જ્યારે રિચા ઘોષ (22), કેશવી ગૌતમ (25) અને ક્રાંતિ ગૌડ (19) તરત જ આઉટ થઈ ગઈ. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌરે એક છેડે ટકી રહી અને શાનદાર અડધી સદી ફટકારી. હરમનપ્રીતે 70 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૫૪ રન બનાવ્યા. તેની ઇનિંગથી ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 251 રનનો સ્કોર બનાવ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ અને અલાના કિંગે બે-બે વિકેટ લીધી.













