ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ ગુરુવારે (16 જુલાઈ) કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. ઇંગ્લેન્ડનો ચાર વિકેટે વિજય થયો હતો. ભારતય ટીમ 233 રનનો બનાવી શકી હતી. 234 રનનો લક્ષ્યાંક ઇંગ્લેન્ડે 44.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ઇંગ્લેન્ડની જીતમાં જો રૂટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બેટિંગ પાવરપ્લે અને રોહિત શર્માનો સંઘર્ષ

ટીમ ઇન્ડિયાની શરૂઆત અતિશય ધીમી રહી હતી. ખાસ કરીને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા શરૂઆતથી જ આઉટ ઓફ ફોર્મ જણાતો હતો. સેમ કુરનની ઓવરમાં સતત સંઘર્ષ કર્યા બાદ તે આદિલ રશીદ અને વિલ જેક્સ સામે પણ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને 47 બોલમાં માત્ર 26 રન બનાવી સસ્તો કેચ આપી બેઠો હતો. ઓપનિંગમાં આ ધીમી ગતિએ મધ્યમ ક્રમના બેટ્સમેનો પર દબાણ વધાર્યું હતું.

કોહલી-ઐયરની લડત પણ એળે ગઈ

એક સમયે ભારતે વહેલી વિકેટો ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલી (66 બોલમાં 65 રન) અને શ્રેયસ ઐયર (66 રન) વચ્ચે સંગીન ભાગીદારી થઈ હતી. કોહલીએ પોતાની ક્લાસિક શૈલીમાં 8 ચોગ્ગા ફટકારી લય મેળવી હતી. જોકે, આ બંને આઉટ થતાં જ ભારતીય મિડલ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. શુભમન ગિલ (31) સિવાય ઇશાન કિશન (1), શિવમ દુબે (0) અને અક્ષર પટેલ (1) ક્રિઝ પર ટકી શક્યા નહોતા. ભારતે માત્ર ૨૬ બોલના ગાળામાં 15 રન બનાવી પોતાની 4 મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી, જેના લીધે ટીમ મોટો સ્કોર કરી શકી નહીં.

જો રૂટની કિંગ સાઈઝ ઇનિંગ

234  રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શરૂઆતમાં વિકેટો ઝડપી ભારતને મેચમાં લાવી દીધું હતું. પરંતુ વન-ડાઉન ઉતરેલા અનુભવી બેટ્સમેન જો રૂટે એક છેડો સાચવી રાખ્યો હતો. રૂટે 133 બોલમાં અણનમ 99 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. તેણે વિલ જેક્સ સાથે છઠ્ઠી વિકેટ માટે 72 રનની મહત્વની ભાગીદારી કરી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. અક્ષર પટેલે જોસ બટલરને આઉટ કર્યો હતો, પરંતુ વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે બોલિંગ ન કરી શકતાં ભારતની સ્પિન બોલિંગ ધાર વિનાની સાબિત થઈ હતી. અંતે ગુસ એટકિન્સને વિજયી ચોગ્ગો ફટકારતાં રૂટ સદીથી વંચિત રહ્યો હતો પણ પોતાની ટીમને જીત અપાવી ગયો હતો.

આ પણ વાંચો:Mahisagar: વરસાદ ખેંચાતા કડાણા ડેમમાંથી પાણી છોડવાનું કરાયું બંધ, જળસંકટ ન સર્જાય તે માટે નિર્ણય