સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી એલિમિનેટર મેચમાં તેણે માત્ર 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું.
સૌથી ઝડપી IPL સદીનો રેકોર્ડ તોડવાની તક
હૈદરાબાદ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશી IPL ઇતિહાસની સૌથી ઝડપી સદી બનાવવાથી માત્ર 3 રન દૂર રહી ગયો હતો. ક્રિસ ગેલે વર્ષ 2013માં માત્ર 30 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અકબંધ છે. વૈભવે એલિમિનેટરમાં 29 બોલમાં 97 રન કર્યા હોવાથી, તે આ રેકોર્ડની ખૂબ જ નજીક પહોંચી ગયો હતો. જો ગુજરાત ટાઇટન્સ સામેની ક્વોલિફાયર 2 મેચમાં પણ તેનું આ જ ફોર્મ ચાલુ રહેશે, તો તે ગેલનો આ વર્લ્ડ રેકોર્ડ તોડીને પોતાના નામે નવો ઇતિહાસ રચી શકે છે.
સૌથી ઝડપી 1,000 રન બનાવવાનો નવો ભારતીય રેકોર્ડ
વૈભવ સૂર્યવંશી પોતાના IPL કરિયરમાં 1,000 રન પૂરા કરવાના આરે છે અને તેને આ સીમાચિહ્ન સુધી પહોંચવા માટે હવે માત્ર 68 રનની જરૂર છે. વૈભવે અત્યાર સુધી 22 મેચોની 22 ઇનિંગ્સમાં 932 રન બનાવ્યા છે. જો તે ગુજરાત સામે 68 રન બનાવી લેશે, તો તે IPLમાં સૌથી ઝડપી 1,000 રન પૂરા કરનારો ભારતીય બેટ્સમેન બની જશે. હાલમાં આ ભારતીય રેકોર્ડ ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શનના નામે છે જેણે 25 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે ઓલ-ટાઇમ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના શાન માર્શના નામે છે.
સૌથી ઝડપી 100 સિક્સરનો અદભુત માઈલસ્ટોન
ગુજરાત ટાઇટન્સ સામેની આગામી મેચમાં વૈભવ પાસે સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરવાનો પણ એક શાનદાર મોકો છે. હાલમાં તેના નામે માત્ર 402 બોલમાં 89 છગ્ગા નોંધાયેલા છે. જો તે ક્વોલિફાયર 2 માં વધુ 11 છગ્ગા ફટકારવામાં સફળ રહેશે, તો તે IPL ઇતિહાસમાં સૌથી ઓછા બોલમાં 100 સિક્સર પૂરા કરનારો વિશ્વનો સૌથી ઝડપી બેટ્સમેન બની જશે. વૈભવના આ તોફાની ફોર્મને જોતા ગુજરાત ટાઇટન્સના બોલરો માટે તેને રોકવો એ એક બહુ મોટો પડકાર બની રહેશે.
આ પણ વાંચો: French Open 2026માં ગરમીનો ભયંકર પ્રકોપ, હિટસ્ટ્રોકના કારણે વર્લ્ડ નંબર-1 યાનિક સિનરનો આઘાતજનક પરાજય