ફ્રેન્ચ ઓપન (રોલેન્ડ ગેરોસ) ના ઇતિહાસમાં ક્લે-કોર્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને અભૂતપૂર્વ અપસેટ જોવા મળ્યો છે. ખિતાબના પ્રબળ દાવેદાર અને ટોચના ક્રમાંકિત યાનિક સિનરનો પેરિસની કાળઝાળ ગરમીમાં બીજા રાઉન્ડની મેચમાં કારમો પરાજય થયો છે. એક સમયે સીધા સેટમાં મેચ જીતવાથી માત્ર એક ગેમ દૂર રહેલા સિનરને મેદાન પર જ ચક્કર આવવા લાગ્યા હતા, જેનો ફાયદો ઉઠાવીને 56મા ક્રમાંકિત આર્જેન્ટિનાના જુઆન મેન્યુઅલ સેરુન્ડોલોએ હિસ્ટોરિક જીત મેળવી હતી. હિટસ્ટ્રોકની અસર થતા વર્લ્ડ નંબર-1 યાનિક સિનરે ફ્રેન્ચ ઓપનનો તાજ ગુમાવવાનો વારો આવ્યો. પેરીસની ગરમીના કારણે ફ્રેન્ચ ઓપનમાં જીતની ઉંબરે ઉભેલા સિનરનો આઘાતજનક પરાજય થયો.
પેરીસની ગરમીનો કહેર, વિજેતા સિનરે ગુમાવી તક
સિનરે છેલ્લા ત્રણ મહિનામાં ક્લે-કોર્ટ સહિત સતત પાંચ માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યા હતા. આ મેચમાં પણ તે ત્રીજા સેટમાં 5-1 થી આગળ હતો અને મેચ જીતવા માટે બે વાર સર્વિસ કરવાની તક મેળવી હતી, પરંતુ અહીંથી જ પાસા પલટાયા હતા. મેચની શરૂઆતમાં તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ હતું, જે વધીને ૩૨ ડિગ્રી સેલ્સિયસ (૯૦ ફેરનહીટ) સુધી પહોંચી ગયું હતું. ત્રીજા સેટમાં જ્યારે સિનર ૫-૪ પર મેચ માટે બીજી વખત સર્વિસ કરી રહ્યો હતો, ત્યારે તે ૦-૪૦ પર લપસી ગયો હતો. અતિશય ગરમી અને ડિહાઇડ્રેશનના કારણે તેની તબિયત બગડી હતી. તેનો આછો વાદળી પોશાક પરસેવાથી સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો. ૭-૫ થી ત્રીજો સેટ ગુમાવ્યા બાદ સિનરે મેડિકલ હેલ્પ લીધી હતી. જો કે, પીણામાં ઇલેક્ટ્રોલાઇટ્સ ઉમેરવા છતાં તે રિકવર થઈ શક્યો નહીં અને છેલ્લી ૨૦ ગેમ્સમાંથી ૧૮ ગેમ્સ હારી ગયો હતો.
