ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં ટી20 અને વનડે સીરિઝ માટે શ્રીલંકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે હાલમાં વનડે સીરિઝ ચાલી રહી છે. સીરિઝની બીજી મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી,જ્યાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત મેળવી હતી.અનુભવી બેટ્સમેન જો રૂટે ઇંગ્લેન્ડની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે મુશ્કેલ પીચ પર શાનદાર 75 રન બનાવ્યા અને બે વિકેટ પણ લીધી.આ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.ઇંગ્લેન્ડે 22 બોલ બાકી રહેતા અને 5 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી.

જો રૂટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો

શ્રીલંકા સામેની બીજી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતીને જો રૂટે ઇતિહાસ રચ્યો.તે ઇંગ્લેન્ડનો સૌથી વધુ ડેકોરેટેડ ખેલાડી બન્યો.ઇંગ્લેન્ડના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનાથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા નથી.

જો રૂટે કેવિન પીટરસનને પાછળ છોડી દીધો

જો રૂટનો આ કારકિર્દીનો 27મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનારા ખેલાડીઓની યાદીમાં તેણે ભૂતપૂર્વ ઈંગ્લેન્ડના કેપ્ટન કેવિન પીટરસનને પાછળ છોડી દીધા. પીટરસને પોતાની કારકિર્દીમાં 26 વખત આ એવોર્ડ જીત્યો. તે ઘણા વર્ષો સુધી આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યો, પરંતુ રૂટે હવે તેને પાછળ છોડી દીધો છે.
ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મેળવનારા ખેલાડીઓ
27 - જો રૂટ
26 - કેવિન પીટરસન
24 - જોસ બટલર
22 - જોની બેયરસ્ટો
21 - ઇયોન મોર્ગન/બેન સ્ટોક્સ
27 જાન્યુઆરીએ રમાનારી અંતિમ મેચ

અંતિમ વનડે 27 જાન્યુઆરીએ યોજાશે

શ્રીલંકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજો અને અંતિમ વનડે 27 જાન્યુઆરીએ યોજાવાનો છે. આ મેચ પણ કોલંબોમાં રમાશે. શ્રીલંકાએ સીરિઝની પહેલી મેચ 19 રનથી જીતી હતી, તેથી સીરિઝ હાલમાં 1-1 થી બરાબર છે. ત્રીજી વનડે જીતનારી ટીમ સીરિઝ જીતશે.


  • Follow us on: