ક્રિકેટ જગતમાં બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન-ડે મેચ ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગઈ છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે એક અકલ્પનીય અને અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટીમે બાંગ્લાદેશ સામેની ઇનિંગ્સમાં તમામ 50 ઓવર માત્ર સ્પિન બોલરો પાસે જ ફેંકાવી હતી. વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ટીમે ફાસ્ટ બોલરનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્પિનર્સથી જ 50 ઓવર પૂરી કરી હોય. અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને એલિક અથાન્ઝે જેવા સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બંને ટીમોના સ્પિનરોનો દબદબો
આ મેચમાં સ્પિન બોલરોનો દબદબો માત્ર વેસ્ટ ઈન્ડિઝ પૂરતો જ સીમિત નહોતો. બાંગ્લાદેશની ટીમે પણ તેમની 50 ઓવરમાંથી 42 ઓવર સ્પિનર્સ પાસે ફેંકી હતી. પરિણામે, આખા મુકાબલામાં (બંને ઇનિંગ્સમાં) કુલ 100 ઓવર માંથી ઐતિહાસિક 92 ઓવર સ્પિન બોલરો દ્વારા ફેંકવામાં આવી હતી, જે ODI ક્રિકેટનો નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા આ રેકોર્ડ 2019 માં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં 78.2 ઓવરનો હતો. યુવા રિશાદ હુસૈનની તોફાની 39 રનની ઇનિંગ્સને કારણે બાંગ્લાદેશ 213 રન સુધી પહોંચી શક્યું હતું.













