ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે છે શું વિરાટ કોહલી ઘમંડી છે? આ સવાલનો જવાબ હવે તેના જૂના સાથીદાર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ઉપ-કપ્તાન અજિંક્ય રહાણે એ આપ્યો છે. રહાણેએ કોહલીના સ્વભાવ અને મેચ પહેલાની તેની તૈયારીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.


'મૌન એ ઘમંડ નથી, ફોકસ છે'

ક્રિકબઝ સાથેની ખાસ વાતચીતમાં રહાણેએ સ્પષ્ટ કર્યું હતું કે બહારના લોકો કોહલીના વર્તનને ગેરસમજ કરે છે. રહાણેએ કહ્યું, "વિરાટ વિશે ગમે તેટલી વાતો કરીએ તે ઓછી છે. મેં તેને ખૂબ નજીકથી જોયો છે. લોકો તેને ઘમંડી માને છે, પણ હકીકત એ નથી. તે માત્ર પોતાની રમતમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. તેની શીખવાની ધગશ અને ક્યારેય હાર ન માનવાનું વલણ તેને બીજા કરતા અલગ પાડે છે."

મેચના 2 દિવસ પહેલા કોહલીનો 'સિક્રેટ ઝોન'

રહાણેએ કોહલીની તૈયારી વિશે વાત કરતા એક રસપ્રદ વાત જણાવી. તેણે કહ્યું, મેં જોયું છે કે મેચના 2 દિવસ પહેલા તે એકદમ શાંત થઈ જાય છે. તે ખૂબ ઓછું બોલે છે, અને સાથી ખેલાડીઓ સાથે પણ સીમિત વાત કરે છે. તે કાનમાં એરપોડ્સ લગાવીને પોતાને ગમતું સંગીત સાંભળે છે અને પોતાનો એક અલગ 'ઝોન' બનાવે છે. આ મૌન તેને મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

નવા ખેલાડીઓ થઈ જાય છે કન્ફ્યુઝ

રહાણેએ સ્વીકાર્યું કે નવા ખેલાડીઓ માટે કોહલીના આ રૂપને સમજવું થોડું મુશ્કેલ હોય છે. જ્યારે તે સાથીદારો સાથે વાત નથી કરતો, ત્યારે નવા લોકોને લાગે છે કે તે એટીટ્યુડ બતાવી રહ્યો છે, પરંતુ તે સમયે તે માત્ર મેચ માટે માનસિક રીતે તૈયાર થઈ રહ્યો હોય છે. રહાણેએ ઉમેર્યું કે, "આટલું બધું હાંસલ કર્યા પછી પણ તેનામાં હજુ ભૂખ છે. તે હંમેશા પોતાની રમતમાં સુધારો કરવા અને કંઈક નવું કરવા તત્પર રહે છે."

રાજકોટમાં ધમાકેદાર પ્રદર્શનની આશા

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. ન્યુઝીલેન્ડ સામેની સીરિઝની પ્રથમ વનડેમાં તેણે 93 રનની મેચ વિનિંગ ઈનિંગ રમીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકા સામે 3 માંથી 2 વનડેમાં અને વિજય હજારે ટ્રોફીમાં પણ તેણે સદી ફટકારી હતી. હવે ક્રિકેટપ્રેમીઓની નજર આવતીકાલે એટલે કે બુધવાર, 14 જાન્યુઆરીએ રાજકોટ (Rajkot) ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી બીજી વનડે મેચ પર છે, જ્યાં કોહલી ફરી એકવાર બેટથી જાદુ વિખેરી શકે છે.

આ પણ  વાંચો - Shreyas Iyerપાસે બીજી વનડેમાં શિખર ધવનનો આ રેકોર્ડ તોડવાની તક


  • Follow us on: