ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં ટીમનું નેતૃત્વ કરનાર દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડરે વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારા વિશે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે લારા સાથેની વ્યક્તિગત વાતચીત શેર કરી છે.
મુલ્ડરે બુલાવાયોમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં 367 રનની અણનમ ઇનિંગ રમી હતી, તે બ્રાયન લારાના ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં અણનમ 400 રનની ખૂબ નજીક પહોંચી ગયો હતો, પરંતુ તેણે લારાનો રેકોર્ડ તોડવાને બદલે ઇનિંગ ડિકલેર કરી દીધી, જેનાથી બધાને આશ્ચર્ય થયું. લારાએ રેકોર્ડ ન તોડવા બદલ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. મુલ્ડરે આ વાતનો ખુલાસો કર્યો છે.
મુલ્ડરે શું જાહેર કર્યું?
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વિઆન મુલ્ડર પાસે બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની સારી તક હતી, પરંતુ તેણે તેમ ન કર્યું. બ્રાયન લારાએ આ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. મુલ્ડરે ખુલાસો કર્યો કે બ્રાયન લારા ખરેખર ઇચ્છતા હતા કે તે આ સિદ્ધિ હાંસલ કરે. મેચ પછી, લારાએ તેને કહ્યું કે તેણે મારો રેકોર્ડ તોડવો જોઈતો હતો.
સુપર સ્પોર્ટને આપેલા ઇન્ટરવ્યુમાં મુલ્ડરે કહ્યું કે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ સીરીઝ જીત્યા પછી, મેં બ્રાયન લારા સાથે વાત કરી. તેણે મને કહ્યું કે હું મારો પોતાનો વારસો બનાવી રહ્યો છું અને મારે આ કરવું જોઈતું હતું. લારાએ કહ્યું કે રેકોર્ડ તોડવા માટે જ હોય છે અને તે ઈચ્છે છે કે જો હું ફરીથી ક્યારેય આવી પરિસ્થિતિમાં આવું તો હું તેના કરતા વધુ રન બનાવું. જોકે, મુલ્ડર હજુ પણ કહે છે કે તેનો નિર્ણય સાચો હતો.
મુલ્ડરે રેકોર્ડ કેમ ન તોડ્યો?
સાઉથ આફ્રિકાના કેપ્ટને ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. મુલ્ડરે 297 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂર્ણ કરી હતી. મુલ્ડરે 334 બોલમાં 49 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 367 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ તેનો પ્રથમ દાવ 5 વિકેટે 626 રન પર ડિકલેર કર્યો હતો. સાઉત આફ્રિકાએ આ ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 236 રનથી જીતી હતી.
બ્રાયન લારાનો રેકોર્ડ ન તોડવાનું કારણ જણાવ્યું
એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર શોન પોલોકે બ્રાયન લારાનો રેકોર્ડ ન તોડવાનું કારણ પૂછ્યું, ત્યારે મુલ્ડરે કહ્યું કે સૌ પ્રથમ મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન છે અને આપણે બોલિંગ કરવી જોઈએ. બીજું, બ્રાયન લારા એક મહાન ખેલાડી છે. તે લેવલના ખેલાડી માટે આ રેકોર્ડ જાળવી રાખવો યોગ્ય છે. જો મને ફરીથી આ કરવાની તક મળશે, તો હું બરાબર એ જ કરીશ. બ્રાયન લારા એક LEGEND છે અને તે આ રેકોર્ડ જાળવી રાખવાને લાયક છે. મુલ્ડર અને બ્રાયન લારાના 2004માં બનાવેલા અણનમ 400 રનના ટેસ્ટ રેકોર્ડ વચ્ચે ફક્ત 33 રનનો તફાવત હતો.