ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડે સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. એશેઝ શ્રેણીની પાંચમી મેચમાં હેડે માત્ર 105 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ સાથે જ તે છેલ્લા 23 વર્ષમાં એક જ એશેઝ શ્રેણીમાં 3 સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપનર બની ગયો છે. આ પહેલા વર્ષ 2002-03માં દિગ્ગજ મેથ્યુ હેડને આ પરાક્રમ કર્યું હતું. હેડની આ આક્રમક બેટિંગને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ મેચમાં મજબૂત સ્થિતિમાં છે.


21મી સદીમાં ડેવિડ વોર્નરની બરાબરી કરી

ચાલુ એશેઝ શ્રેણીમાં ટ્રેવિસ હેડનું ફોર્મ અત્યંત ઘાતક રહ્યું છે. તેણે આ સિરીઝની 9 ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 500થી વધુ રન બનાવી લીધા છે. 21મી સદીમાં એશેઝની એક શ્રેણીમાં 500 રનનો આંકડો પાર કરનાર તે ડેવિડ વોર્નર પછીનો બીજો ઓસ્ટ્રેલિયન ઓપનર બન્યો છે. વોર્નરે 2013-14ની એશેઝમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે હેડે હવે 2025-26ની શ્રેણીમાં આ મુકામ હાંસલ કરીને પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે.

હેડ અને સ્મિથની જોડીએ ઈંગ્લેન્ડને મૂંઝવ્યું

મેચની વાત કરીએ તો, ઇંગ્લેન્ડના 348 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ વળતી લડત આપી છે. ટ્રેવિસ હેડ હાલ 150 રન બનાવીને ક્રિઝ પર અડીખમ છે અને તેને અનુભવી સ્ટીવ સ્મિથનો સાથ મળી રહ્યો છે. અગાઉ માર્નસ લાબુશેને 46 રનનું યોગદાન આપ્યું હતું. હેડની આ 12મી ટેસ્ટ સદી છે અને સિડનીના મેદાન પર તેની આ પ્રથમ સદી છે. હવે જોવાનું એ રહેશે કે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં કેટલો મોટો સ્કોર ખડકીને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવે છે.

આ પણ વાંચો : Travis Headએ સિડની ટેસ્ટમાં કર્યો કમાલ, આવું કરનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

  • Follow us on: