ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી ODI સીરિઝની શરૂઆત થવા જઇ રહી છે, જેને લઇને વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓ વડોદરા પહોંચી ગયા છે. આસિરિઝમાં પોતાની છાપ છોડવા આ 2 દિગ્ગજ ખેલાડીઓ પૂરી રીતે તૈયાર છે. ત્યારે આ વચ્ચે કિંગ કોહલી (King Kohli) એ એક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. શું છે આ પોસ્ટ આવો જાણીએ.


સોશિયલ મીડિયા પર સંકેત

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં જેમના નામે અનેક રેકોર્ડ્સ નોંધાયેલા છે તેવા વિરાટ કોહલી ફરી એકવાર મેદાન પર ધમાલ મચાવવા માટે સજ્જ થયા છે. વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, જેનો અર્થ છે કે હવે તે બ્લુ જર્સીમાં માત્ર વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. આ જ કારણ છે કે આગામી ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે સીરિઝ તેમના માટે અત્યંત મહત્વની બની રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની શરૂઆત થાય તે પહેલા જ વિરાટ કોહલીએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કોહલીએ તેની જીમ અને મેદાન પરની સખત મહેનતના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે પરસેવે રેબઝેબ જોવા મળી રહ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે કીવી ટીમ સામે રન અને સદીનો વરસાદ કરવા માટે કેટલો આતુર છે. ચાહકો પણ તેના આ નવા 'કિંગ કોહલી' અવતારને જોવા માટે ભારે ઉત્સાહિત છે.

વિરાટનો ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે કુલ 33 ODI મેચો રમી છે, જેમાં તેણે 55.23 ની પ્રભાવશાળી એવરેજથી 1657 રન બનાવ્યા છે. આ આંકડાઓમાં 6 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, જો કોહલીના ઓવરઓલ વનડે કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 308 મેચોમાં 58.46 ની એવરેજથી કુલ 14,557 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટમાં તેણે 53 સદી અને 76 અડધી સદી ફટકારીને વિશ્વ ક્રિકેટમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે.

ઐતિહાસિક 154 રનની અણનમ ઇનિંગ

જ્યારે પણ ન્યૂઝીલેન્ડ સામેની મેચની વાત આવે છે, ત્યારે વર્ષ 2016ની મોહાલી ટેસ્ટ હંમેશા યાદ કરવામાં આવે છે. 23 ઓક્ટોબર, 2016ના રોજ મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં કોહલીએ કીવી બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. તેણે માત્ર 134 બોલમાં 154 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. આ શાનદાર ઇનિંગને લીધે ભારતે તે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. હવે જ્યારે 11 જાન્યુઆરીથી ફરી જંગ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે માત્ર વનડે ફોર્મેટમાં રમી રહેલા કોહલી બેટથી કેવો ચમત્કાર સર્જે છે.

આ પણ  વાંચો - Cricket: મેચ દરમિયાન મેદાન પર ઢળી પડ્યા બાદ ભારતીય ક્રિકેટરનું નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ…


  • Follow us on: