સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026 ની 23 જુલાઈના રોજ યોજાનારી ઓપનિંગ સેરેમની પહેલા જ ભારત માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. મહિલા બોક્સિંગની 75 કિલોગ્રામ કેટેગરીમાં ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને પોતાનો મેડલ પાક્કો કરી લીધો છે.
75 કિલોગ્રામ કેટેગરીમાં માત્ર 5 મહિલા બોક્સરો જ સામેલ હતી, જેથી ટોપ-3 બોક્સરોને સીધી સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. આ યાદીમાં લવલીના બોરગોહેનનું નામ પણ સામેલ હોવાથી તેણે ભારત માટે કમ સે કમ બ્રોન્ઝ મેડલ પાક્કો કરી લીધો છે.
સેમિફાઇનલમાં ટુવાલુની ટાફાકી સામે ટક્કર, ફાઇનલ પર લવલીનાની નજર
ઓલિમ્પિકમાં પણ ભારત માટે મેડલ જીતી ચૂકેલી લવલીના બોરગોહેનનો સામનો હવે કોમનવેલ્થ ગેમ્સ 2026ના સેમિફાઇનલ મુકાબલામાં ટુવાલુની ટાફાકી સામે થશે. મહિલા બોક્સિંગ 75 કિલોગ્રામ વર્ગનો આ સેમિફાઇનલ મુકાબલો 31 જુલાઈના રોજ રમાશે. જો લવલીના આ મેચ જીતવામાં સફળ રહે છે, તો તે ફાઇનલમાં પહોંચીને ભારત માટે સિલ્વર અથવા ગોલ્ડ મેડલ પર દાવો મજબૂત કરશે.
125 એથ્લેટ્સનું ભારતીય દળ 8 રમતોમાં આપશે પડકાર, વિજેતા દેખાવની આશા
આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં રમતોની સંખ્યા ઘટાડીને માત્ર 10 કરી દેવામાં આવી છે. ભારતનું 125 એથ્લેટ્સનું દળ આ રમતોમાંથી 8 સામાન્ય એથ્લેટિક રમતોમાં ભાગ લઈ રહ્યું છે, જેમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, જૂડો, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, ટ્રેક સાઇકલિંગ, બાઉલ્સ અને સ્વિમિંગ સામેલ છે. 23 જુલાઈની ઓપનિંગ સેરેમની પહેલાં લોન બાઉલ્સની મેચો સાથે ભારતીય અભિયાનની શરૂઆત થઈ રહી છે. ઓછી રમતો હોવાના કારણે ભારત સામે મેડલની સંખ્યા જાળવી રાખવાનો મોટો પડકાર રહેશે.
નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનુ પર દેશભરની નજરો
લવલીના બોરગોહેનનો મેડલ પાક્કો થતાં જ હવે સમગ્ર દેશના રમતપ્રેમીઓની નજર જેવલિન થ્રોયર નીરજ ચોપરા અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર ટકેલી છે, જેમના તરફથી ગોલ્ડ મેડલની પ્રબળ આશા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ બર્મિંગહામમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો - Commonwealth Games 2026માં ભારતનું નેતૃત્વ કરશે બે સ્ટાર દીકરીઓ