ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL)ની ત્રીજી સીઝન માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે 21 દેશોના કુલ 146 રાઇડર્સે નામ નોંધાવ્યું છે. ભારતીય રાઇડર્સની સાથે અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોના અનુભવી રાઇડર્સ પણ સીઝન 3માં ભાગ લેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે ફ્રેન્ચાઇઝી ટીમોની નજર રાઇડર ઓક્શન પર છે.

ફ્રાન્સના સૌથી વધુ 32 રાઇડર્સ

આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ફ્રાન્સ સૌથી આગળ છે. ફ્રાન્સના 32 રાઇડર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના 20 અને અમેરિકાના 18 રાઇડર્સ છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, જર્મની, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટાલી, જાપાન, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ચેક રિપબ્લિક, સ્વીડન, ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને મંગોલિયાના રાઇડર્સે પણ નામ નોંધાવ્યું છે.

4 કેટેગરીમાં થશે મુકાબલો

સીઝન 3માં રાઇડર્સને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. 450cc ઇન્ટરનેશનલ કેટેગરીમાં 40 રાઇડર્સ, 250cc ઇન્ટરનેશનલ કેટેગરીમાં 54 અને 250cc ઈન્ડિયા-એશિયા મિક્સ કેટેગરીમાં 26 રાઇડર્સ છે. આ વખતે નવી 250cc ઇન્ડિયન ફ્યુચર્સ કેટેગરી પણ શરૂ કરવામાં આવી છે. તેનો હેતુ ભારતીય રાઇડર્સ માટે સુપરક્રોસમાં આગળ વધવાનો એક વ્યવસ્થિત માર્ગ તૈયાર કરવાનો છે.

ભારતના 30 રાઇડર્સની એન્ટ્રી

ભારત તરફથી કુલ 30 રજિસ્ટ્રેશન થયા છે. આ રાઇડર્સ નવી 250cc ઇન્ડિયન ફ્યુચર્સ કેટેગરી તેમજ 250cc ઈન્ડિયા-એશિયા મિક્સ કેટેગરીમાં ભાગ લેશે. ભારતીય રાઇડર્સમાં રુગ્વેદ બરગુજે, પ્રજ્વલ વિશ્વનાથ, શ્લોક ઘોરપડે અને ઇક્ષન શાનભાગ જેવા નામ સામેલ છે. નવી ઇન્ડિયન ફ્યુચર્સ કેટેગરીથી ભારતીય રાઇડર્સને આંતરરાષ્ટ્રીય સ્તરની બાઇક અને સ્પર્ધાત્મક વાતાવરણનો અનુભવ મળશે.

મેટ મોસ સહિત મોટા નામો મેદાનમાં

450cc ઇન્ટરનેશનલ કેટેગરીમાં સીઝન 2ના ચેમ્પિયન મેટ મોસ ફરી ટાઇટલ માટે ઉતરશે. તેમની સાથે જોર્ડી ટિક્સિયર, જૉન શોર્ટ, એન્થની બોર્ડન, ગ્રેગરી અરંડા, રાયન બ્રીસ, લ્યુક ક્લાઉટ અને એન્થની રોડ્રિગ્ઝ જેવા જાણીતા રાઇડર્સ પણ છે. 250cc ઇન્ટરનેશનલ કેટેગરીમાં રીડ ટેલર, કેલ્વિન ફોન્ફિયેલ, જસ્ટિન રોડબેલ અને નિકો કોચ જેવા રાઇડર્સે નામ નોંધાવ્યું છે.

ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી 3 રાઉન્ડ

ISRL સીઝન 3 માટે કુલ 3 રેસ વીકએન્ડનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. રાઉન્ડ 1, 19 અને 20 ડિસેમ્બર 2026, રાઉન્ડ 2, 23 અને 24 જાન્યુઆરી 2027 અને રાઉન્ડ 3, 6 અને 7 ફેબ્રુઆરી 2027ના રોજ યોજાશે. દરેક રાઉન્ડ બે દિવસનો રહેશે, જેમાં પ્રેક્ટિસ, ક્વોલિફાઇંગ હીટ્સ અને મુખ્ય રેસ યોજાશે. વેન્યૂ તરીકે શ્રી શિવ છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પુણે; એકા એરેના, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ અને ચિક્કાજાલા, બેંગલુરુનાં સ્થળો હોઈ શકે છે. 

રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે ફ્રેન્ચાઇઝી ટીમો રાઇડર ઓક્શન દ્વારા પોતાની ટીમ તૈયાર કરશે. અંતિમ રજિસ્ટર્ડ રાઇડર્સમાંથી ટીમોની પસંદગી થયા બાદ સીઝન 3 માટે સ્ક્વોડ તૈયાર થશે.

આ પણ વાંચો: Cue Sports: પહેલીવાર ભારતમાં કોમનવેલ્થ ક્યૂ ચેમ્પિયનશિપ, અમદાવાદમાં 42 દેશના ખેલાડીઓનો જમાવડો