અમદાવાદમાં બુધવારથી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ની શરૂઆત થઈ છે. આ ચેમ્પિયનશિપમાં 42 કોમનવેલ્થ દેશોના કુલ 144 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેમાં 72 પુરુષ અને 72 મહિલા ખેલાડીઓ સામેલ છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપનું આયોજન 7થી 10 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે.
પહેલીવાર ભારતમાં થઈ રહી છે ચેમ્પિયનશિપ
કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની આ બીજી આવૃત્તિ છે અને પહેલીવાર તેનું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન એપેક્સ સ્પોર્ટ્સ પ્રમોશન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બિલ્લિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઓફ ઈન્ડિયા (BSFI) યજમાન છે. વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ બિલ્લિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS) અને કોમનવેલ્થ સ્પોર્ટની મંજૂરી અને સહયોગ પણ આ ઈવેન્ટને મળ્યો છે. આ ચેમ્પિયનશિપ BSFIની સેન્ટેનરી સેલિબ્રેશનનો પણ મહત્વનો ભાગ છે. ભારત માટે આ ઈવેન્ટ ખાસ છે કારણ કે દેશના ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓને પોતાના ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સામે રમવાની તક મળી રહી છે.
5 રમતોમાં થશે મુકાબલા
આ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓ ઈંગ્લિશ બિલ્લિયર્ડ્સ, સ્નૂકર, 10-બોલ પૂલ, હેબોલ અને બ્લેકબોલમાં ભાગ લઈ રહ્યા છે. કુલ 10 મેડલ ઈવેન્ટ્સ યોજાશે. WCBS અનુસાર આ વર્ષે બિલ્લિયર્ડ્સને પણ ચેમ્પિયનશિપના કાર્યક્રમમાં સ્થાન મળ્યું છે. ઓપનિંગ સેરેમની 7 ઓક્ટોબરે થઈ, જ્યારે મુખ્ય મેચો 8થી 10 ઓક્ટોબર સુધી રમાશે. એટલે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં ક્યૂ સ્પોર્ટ્સના ખેલાડીઓ વચ્ચે મેડલ માટે સીધી ટક્કર જોવા મળશે.
વિદ્યા પિલ્લઈ સહિત ભારતના સ્ટાર ખેલાડીઓ
ભારતને આ ચેમ્પિયનશિપમાં પોતાના ખેલાડીઓ પાસેથી મોટી આશા છે. 2025માં મોરેશિયસમાં યોજાયેલી પ્રથમ આવૃત્તિમાં ભારતે કુલ 5 મેડલ જીત્યા હતા. તેમાં મહિલા હેબોલમાં વિદ્યા પિલ્લઈએ ગોલ્ડ, જ્યારે શિવમ અરોરાએ પુરુષ હેબોલમાં અને ચિત્રા મેગિમાઈરાજે મહિલા 10-બોલ પૂલમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે વિદ્યા પિલ્લઈ પોતાના મહિલા હેબોલના ટાઇટલનો બચાવ કરવા ઉતરશે. શિવમ અરોરા પણ ગયા વર્ષે જીતેલા સિલ્વર મેડલને ગોલ્ડમાં બદલવાના ઈરાદા સાથે રમશે. ચિત્રા મેગિમાઈરાજ પણ ફરી ભારતની મેડલની દાવેદારી મજબૂત કરશે.
વિશ્વના જાણીતા ખેલાડીઓ પણ અમદાવાદમાં
ભારતીય ખેલાડીઓ સામે ઈંગ્લેન્ડની કેલી ફિશર, દક્ષિણ આફ્રિકાના ક્રેગ બોઉવર, મલેશિયાના લિમ કોક લિયાંગ, ઈંગ્લેન્ડની રેબેકા કેના અને વેલ્સના ડેરેન મોર્ગન જેવા જાણીતા ખેલાડીઓ પણ પડકાર આપશે. એટલે અમદાવાદમાં યોજાતી આ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની મોટી તક છે.
આંતરરાષ્ટ્રીય ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદ માટે પણ મહત્વનું છે. શહેરમાં મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ યોજવાની ક્ષમતા વિકસતી હોવાના સંદર્ભમાં આ ટૂર્નામેન્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ આગામી વર્ષોમાં મોટા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે પોતાનું સ્થાન મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Asian Para Games: ભારતની કમાન બે ચેમ્પિયનના હાથમાં, પ્રમોદ ભગત-ભાવિના પટેલ બન્યા ફ્લેગ બેરર