એક સમય હતો જ્યારે રમતગમતને પુરુષોનું ક્ષેત્ર માનવામાં આવતું હતું. ક્રિકેટ હોય કે ફૂટબોલ, રમતગમતની ચર્ચા, પ્રસારણ અને જાહેરાતોમાં પુરુષ દર્શકોને જ મુખ્ય ગણવામાં આવતા. મહિલાઓની રમતગમતમાં ભાગીદારી અને દર્શક તરીકેની હાજરીને પણ એટલું મહત્ત્વ મળતું નહોતું. પરંતુ હવે આ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. મહિલાઓ માત્ર મેદાનમાં ખેલાડી તરીકે જ નહીં, પરંતુ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શક તરીકે પણ રમતગમતની દુનિયાનું નવું બજાર બની રહી છે.
આ બદલાવના આંકડા પણ નોંધપાત્ર છે. જિયોસ્ટારના અભ્યાસ મુજબ, ભારતમાં 2025માં 53 કરોડ મહિલાઓએ રમતગમત જોઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ દ્વારા રમતગમત જોવાનું પ્રમાણ બમણું થયું છે. આ સમયગાળામાં મહિલા દર્શકોની ડિજિટલ પહોંચ ચાર ગણી અને એચડી ટીવીની પહોંચ ત્રણ ગણી વધી છે. એટલે કે રમતગમત હવે માત્ર ટીવી સામે બેસીને જોવાનો અનુભવ નથી રહ્યો; મોબાઇલ અને ડિજિટલ માધ્યમોએ મહિલાઓ માટે પણ તેને વધુ સરળ બનાવ્યું છે. આ બદલાવ માત્ર મહિલા ક્રિકેટ પૂરતો સીમિત નથી. જિયોસ્ટારના જણાવ્યા મુજબ, પ્રો કબડ્ડી લીગ, ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને ટેનિસ જેવી રમતો જોવામાં પણ મહિલાઓનો રસ વધ્યો છે. બીજી તરફ, ફિક્કી-ઈવાયના 2026ના અહેવાલ મુજબ, 2025માં ભારતમાં ટેલિવિઝન પર રમતગમત જોનારા 30 કરોડ મહિલા દર્શકો હતા. આ કુલ ટીવી રમતગમતના વપરાશનો 48 ટકા હિસ્સો હતો. આ જ અહેવાલ પ્રમાણે, સ્ટાર સ્પોર્ટ્સના કુલ દર્શકોમાં મહિલાઓનો હિસ્સો 47 ટકા હતો.

પુરુષોના દર્શકોની બરાબરી તરફ આગળ વધતું મહિલા બજાર
આ બદલાવનું સૌથી મોટું ઉદાહરણ 2025નો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રહ્યો. આ ટુર્નામેન્ટમાં મહિલા દર્શકોની સંખ્યા 2021ની સરખામણીમાં સાત ગણી વધી હતી. ટુર્નામેન્ટની પ્રથમ 13 મેચને ડિજિટલ પ્લેટફોર્મ પર 6 કરોડથી વધુ દર્શકો મળ્યા હતા, જે અગાઉની આવૃત્તિ કરતાં પાંચ ગણું વધારે હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચે ડિજિટલ પર 2.84 કરોડની પહોંચ મેળવી હતી. ફાઇનલમાં તો જિયોહોટસ્ટાર પર 18.5 કરોડ યુઝર્સ જોડાયા હતા. આ આંકડો 2024ના પુરુષોના ટી20 વર્લ્ડ કપની ફાઇનલના ડિજિટલ દર્શકો જેટલો હતો. પરંતુ અહીં એક રસપ્રદ બાબત છે. મહિલાઓની રમત જોનારા માત્ર મહિલાઓ જ નથી. એલએસ ડિજિટલના અહેવાલ મુજબ, તાજેતરની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટના સોશિયલ ડેટામાં 57થી 58 ટકા દર્શકો પુરુષો હતા. એટલે મહિલા રમતનું પ્રેક્ષકવર્ગ બંને લિંગના લોકો સુધી વિસ્તરી રહ્યું છે. આ બ્રાન્ડ્સ માટે પણ મહત્વનો સંકેત છે.

બ્રાન્ડ્સ માટે હવે રમતગમતનું નવું બજાર
આ બદલાવની સીધી અસર જાહેરાત અને સ્પોન્સરશિપના બજારમાં જોવા મળી રહી છે. કેપીએમજીના 2025ના અહેવાલ મુજબ, ભારતમાં ખેલાડીઓની બ્રાન્ડ જાહેરાતોનું મૂલ્ય 2024માં 1,224 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં 32 ટકા વધારે હતું. મહિલા રમતગમતની વધતી લોકપ્રિયતા કંપનીઓને નવા ખેલાડીઓ અને નવી ટુર્નામેન્ટ સાથે જોડાવા પ્રેરિત કરી રહી છે.
એલએસ ડિજિટલના અહેવાલમાં જણાવાયું છે કે મહિલા લીગમાં સ્પોન્સરશિપનો વધારો પુરુષોની લીગ કરતાં 50 ટકા ઝડપી રહ્યો છે. અહેવાલ પ્રમાણે, 86 ટકા સ્પોન્સર્સે જણાવ્યું હતું કે મહિલા રમતગમત સાથે જોડાયેલી તેમની જાહેરાતો અપેક્ષા મુજબનું અથવા તેનાથી વધુ વળતર આપી રહી છે. અહેવાલમાં સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ જેવી ખેલાડીઓની બ્રાન્ડ જાહેરાતની કિંમતમાં 25થી 100 ટકાનો વધારો નોંધાયો હોવાનું પણ જણાવાયું છે. વૈશ્વિક સ્તરે પણ આ બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે. ડેલોઇટના અંદાજ પ્રમાણે, મહિલા રમતગમતની આવક 2026માં 300 કરોડ ડોલર સુધી પહોંચી શકે છે. તેમાં સ્પોન્સરશિપ, ભાગીદારી અને અન્ય વ્યાપારી આવકનો મોટો હિસ્સો રહેશે.

આગળનો ખેલ માત્ર દર્શકોનો નહીં, રોકાણનો પણ છે. મહિલા રમતગમતમાં વધતી લોકપ્રિયતા હવે બ્રોડકાસ્ટર્સને વધુ પ્રસારણ અધિકારો, બ્રાન્ડ્સને નવા ગ્રાહકો અને ખેલાડીઓને વધુ આવકની તક આપી રહી છે. જોકે આ વૃદ્ધિ લાંબા સમય સુધી જાળવવા માટે નિયમિત ટુર્નામેન્ટ, સારી સુવિધાઓ, સતત પ્રસારણ અને મહિલા ખેલાડીઓમાં રોકાણ જરૂરી રહેશે. મહિલાઓ રમતગમતનું નવું બજાર બની રહી છે; હવે આ બજારને કેટલી વ્યાવસાયિક તક મળે છે તેના પર આગામી વર્ષોની રમતગમતની અર્થવ્યવસ્થા નિર્ભર રહેશે.
આ પણ વાંચો: Hockey Indiaમાં ગંભીર આરોપો, તપાસ સમિતિને પૈસા જ ન મળ્યા! 2 મહિનાથી કાર્યવાહી અટકી