ભારતીય હોકીમાં મહિલા ખેલાડીઓની સુરક્ષા અને સંસ્થાકીય જવાબદારીને લઈને ફરી સવાલ ઊભા થયા છે. પૂર્વ ભારતીય મહિલા હોકી કેપ્ટન અસુંથા લાકરાએ હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહ પર હેરાનગતિ અને ધમકી આપવાના આરોપ લગાવ્યા હતા. આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ 10 સપ્ટેમ્બરે સ્વતંત્ર તપાસ સમિતિ બનાવી હતી. જોકે, 2 મહિના વીતી ગયા હોવા છતાં સમિતિની પહેલી બેઠક પણ મળી નથી. રિપોર્ટ અનુસાર, તપાસ માટે જરૂરી નાણાં હોકી ઈન્ડિયા તરફથી મુક્ત ન કરાતાં કાર્યવાહી અટકી છે. 

નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં સમિતિ

રમતગમત મંત્રાલયના નિર્દેશ બાદ IOAએ 4 સભ્યોની સ્વતંત્ર સમિતિ બનાવી હતી. તેની અધ્યક્ષતા નિવૃત્ત હાઈકોર્ટ જજ દીપા શર્માને સોંપવામાં આવી છે. સમિતિમાં પૂર્વ ટ્રેક એન્ડ ફિલ્ડ ખેલાડી વંદના રાવ, ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન મમતા ખરબ અને વકીલ સિતવત નબીનો સમાવેશ થાય છે. સમિતિને અસુંથા લાકરા દ્વારા હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહ સામે લગાવવામાં આવેલા હેરાનગતિ અને ધમકીના આરોપોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 

તપાસ માટેના પૈસા ક્યાં અટક્યા?

IOAએ હોકી ઈન્ડિયાને સમિતિના સભ્યોનું માનધન, મુસાફરી, રહેવા અને અન્ય જરૂરી ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી હતી. જોકે, અહેવાલ અનુસાર સમિતિને હજુ સુધી જરૂરી નાણાં મળ્યાં નથી. હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ 8 અને 10 ઓક્ટોબરે ખજાનચી શેખર મનોહરન, મહાસચિવ ભોલાનાથ સિંહ અને નાણાં વિભાગને ઈમેઇલ કરીને જરૂરી રકમ તાત્કાલિક જાહેર કરવા જણાવ્યું હતું. સમિતિનાં અધ્યક્ષે વ્યાવસાયિક ફી અને અન્ય ખર્ચનાં બિલ પણ રજૂ કરી દીધાં હતાં. કાનૂની સહાયકનું બિલ પણ જમા કરાવવામાં આવ્યું હતું. આટલું થયા છતાં નાણાં જાહેર ન થતાં તિર્કીએ 29 ઓક્ટોબરે IOA પ્રમુખ પી.ટી. ઉષા, રમતગમત સચિવ અને રમતગમત મંત્રાલયને પત્ર લખીને વિલંબની જાણ કરી હતી. 

અસુંથા લાકરાએ શું આરોપ લગાવ્યા હતા?

અસુંથા લાકરા હોકી ઈન્ડિયાના કાર્યકારી બોર્ડનાં સભ્ય પણ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઝારખંડમાં સ્થાનિક કોચ સુધીર ગોલ્લા દ્વારા યુવતીઓની કથિત જાતીય સતામણી અંગે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ હોકી ઈન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે તેમને ધમકી આપી અને હેરાન કર્યા હતા. આ મામલે રમતગમત મંત્રાલયે તપાસ માટે સ્વતંત્ર સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી તપાસની નિષ્પક્ષતા જળવાઈ રહે. આ આરોપોની હજુ તપાસ થવાની બાકી છે. 

 ‘મને આશ્વાસન નહીં, ન્યાય જોઈએ’

તપાસમાં થઈ રહેલા વિલંબથી અસુંથા લાકરા નિરાશ છે. તેમણે કહ્યું કે ફરિયાદ બાદ ઝડપથી તપાસ સમિતિ બનાવવામાં આવી ત્યારે તેમને ન્યાયની આશા જાગી હતી, પરંતુ 2 મહિના પછી પણ તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે બોલાવવામાં આવ્યાં નથી. લાકરાએ કહ્યું કે તેમણે અનિશ્ચિત સમય સુધી રાહ જોવા માટે નહીં, પરંતુ ન્યાય મેળવવા ફરિયાદ કરી હતી. તેમને માત્ર આશ્વાસન નહીં, પરંતુ નિષ્પક્ષ તપાસ અને ન્યાય જોઈએ છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને IOA પ્રમુખ પી.ટી. ઉષાને તપાસની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરાવવા અપીલ કરી છે. તેમની ત્રણ મુખ્ય માગ છે: સમિતિની બેઠક બોલાવવામાં આવે, તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે અને નિષ્પક્ષ તપાસ બાદ ન્યાય મળે. 

આ પણ વાંચો: IOA ચૂંટણીમાં મોટો વળાંક! ગગન નારંગ, વિજેન્દર અને યોગેશ્વર દત્ત બિનહરીફ, પી.ટી. ઉષા સામે હવે 5 દિગ્ગજ