ફિફા (FIFA) વર્લ્ડ કપની ટ્રોફી માત્ર ફૂટબોલની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ નથી, પરંતુ તે સમગ્ર રમતજગતની સૌથી મોંઘી અને પ્રતિષ્ઠિત ટ્રોફીઓમાંથી એક છે. ભારતીય રૂપિયામાં આ ટ્રોફીની કિંમત આશરે ₹140 કરોડથી ₹190 કરોડ આંકવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રોફીમાં એવું તો શું ખાસ છે જે તેને આટલી કિંમતી બનાવે છે? અને કેમ કોઈ દેશ જીત્યા પછી પણ તેને કાયમ માટે પોતાના ઘરે નથી લઈ જઈ શકતો? ચાલો જાણીએ આ ચમકતી ટ્રોફી પાછળની રોચક વાતો.

શુદ્ધ સોના અને અનોખી ધાતુની બનાવટ

આ ટ્રોફી અંદરથી આખી નક્કર (Solid) સોનાની નથી, કારણ કે જો એવું હોત તો તેનું વજન 70 થી 80 કિલો થઈ જાત અને ખેલાડીઓ માટે તેને ઉઠાવવી અશક્ય બની જાત છે જેમાં આ ટ્રોફીનું કુલ વજન 6.175 કિલોગ્રામ છે.ટ્રોફીના નીચેના ભાગમાં (બેઝ પર) લીલા રંગના અત્યંત કિંમતી 'મેલાકાઈટ' (Malachite) નામના મિનરલ પથ્થરના બે સ્તરો લગાવવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે

અદ્ભુત ડિઝાઇન અને તેનો અર્થ

વર્તમાનમાં જે ટ્રોફીનો ઉપયોગ થાય છે તે વર્ષ 1974માં ડિઝાઈન કરવામાં આવી હતી. ઇટાલીના પ્રખ્યાત શિલ્પકાર સિલ્વિયો ગજ્જાનિગા (Silvio Gazzaniga) એ આ ટ્રોફી તૈયાર કરી હતી.આ ટ્રોફીની ડિઝાઇન ખૂબ જ અર્થપૂર્ણ છે. તેમાં બે માનવ આકૃતિઓ નીચેથી ઉપર તરફ ફરતી (સ્પાયરલ) થઈને આખી પૃથ્વી એટલે કે ગ્લોબને પોતાના હાથોમાં ઊંચકી રાખેલી જોવા મળે છે. આ ડિઝાઇન રમતની વૈશ્વિક જીત અને ઉત્સાહનું પ્રતીક છે.
અસલી ટ્રોફી કોઈ દેશ ઘરે નથી લઈ જઈ શકતો!
ફિફા (FIFA) ના કડક નિયમો અનુસાર, સુરક્ષાના કારણોસર અસલી ગોલ્ડ ટ્રોફી ક્યારેય કોઈ દેશને કાયમ માટે રાખવા મળતી નથી. તે હંમેશા સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખમાં આવેલા 'ફિફા વર્લ્ડ ફૂટબોલ મ્યુઝિયમ'માં લોક એન્ડ કી હેઠળ સુરક્ષિત રાખવામાં આવે છે.ફાઇનલ મેચ જીત્યા પછી, વિજેતા ટીમને મેદાન પર ઉજવણી કરવા અને ફોટા પડાવવા માટે માત્ર થોડી મિનિટો માટે જ અસલી ટ્રોફી આપવામાં આવે છે. જશ્ન પૂરો થયા પછી અસલી ટ્રોફી પાછી લઈ લેવાય છે અને ટીમને ઘરે લઈ જવા માટે હૂબહૂ તેના જેવી જ ડુપ્લિકેટ ટ્રોફી (Replica) આપવામાં આવે છે, જે બ્રોન્ઝ (કાંસા) માંથી બનેલી હોય છે અને તેના પર સોનાનો ઢોળ ચડાવેલો હોય છે.
ટ્રોફીને અડવાનો અધિકાર દરેકને નથી
આ કરોડોની ટ્રોફીને સ્પર્શ કરવા માટે ફિફાનો એક ખાસ પ્રોટોકોલ છે. તેને કોઈપણ સામાન્ય વ્યક્તિ ગમે ત્યારે અડી શકતી નથી.નિયમ મુજબ, આ ટ્રોફીને ગ્લોવ્ઝ (મોજા) વગર સીધા હાથે અડવાનો કે ઉઠાવવાનો અધિકાર માત્ર વર્લ્ડ કપ જીતનારા ખેલાડીઓ, ટીમના સપોર્ટ સ્ટાફ અને જે તે દેશના રાષ્ટ્રાધ્યક્ષ (જેમ કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન) પાસે જ હોય છે.
ફિફાવર્લ્ડ કપનો ઇતિહાસ
1974પહેલા વિજેતા ટીમને જુલ્સ રિમેટ ટ્રોફી આપવામાં આવતી હતી.નિયમ એવો હતો કે જે દેશ 3 વાર વર્લ્ડ કપ જીતે તે ટ્રોફી કાયમ માટે તેની થઈ જાય. 1970માં બ્રાઝિલે ત્રીજી વાર જીતીને તે મેળવી લીધી. પરંતુ વર્ષ 1983માં બ્રાઝિલમાંથી આ અસલી ટ્રોફી ચોરી થઈ ગઈ, જે આજ સુધી ક્યારેય મળી નથી! આ ઘટના પછી ફિફાએ નિયમો કડક કર્યા અને નવી ટ્રોફી કાયમ માટે પોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો.