ફિફા વર્લ્ડકપ 2026 ફાઈનલ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ચર્ચામાં છે. ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર ખાતે આયોજિત ફિફા રિસેપ્શન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સે ફરીથી વર્લ્ડકપનું આયોજન કરવું જોઈએ, પરંતુ આ વખતે કેનેડા અને મેક્સિકોનો સમાવેશ ન કરવો જોઈએ.
FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોની હાજરીમાં ટ્રમ્પે કહ્યું કે "તમારે આગામી વર્લ્ડકપ યુનાઈટેડ સ્ટેટ્સને પાછો આપવો જોઈએ. આ વખતે અમે કેનેડા અને મેક્સિકોને બહાર રાખીશું." પરંતુ તેમને આ વાત હળવાશથી કહી હતી, તેમનું નિવેદન તરત જ ચર્ચાનો વિષય બની ગયું.
ટ્રમ્પે મજાકમાં એવું પણ સૂચન કર્યું કે જો અમેરિકા એકલા આ કાર્યક્રમનું આયોજન ન કરી શકે, તો તે ચીન સાથે ભાગીદારી કરી શકે છે. તેમને વધુમાં કહ્યું કે "તો મેચ વચ્ચેની ફ્લાઈટ્સ ટૂંકી થશે." તેમના નિવેદનથી પ્રેક્ષકોમાં હાસ્ય છવાઈ ગયું.
2026નો વર્લ્ડકપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતિક છે!
FIFA પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોએ પણ ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું કે 2026નો વર્લ્ડ કપ "અમેરિકન ડ્રીમ"નું પ્રતીક બની ગયો છે અને ટ્રમ્પના સમર્થને ટુર્નામેન્ટના સફળ આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
ટ્રમ્પ અને ઈન્ફેન્ટિનોના ગાઢ સંબંધોની ચર્ચા પહેલા પણ થઈ ચૂકી છે. તાજેતરમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમને ઈન્ફેન્ટિનો સાથે વાત કરી હતી અને અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુન પર લાદવામાં આવેલા રેડ કાર્ડ સસ્પેન્શનને રદ્દ કરવાની વિનંતી કરી હતી. બાદમાં બાલોગુનને આગામી મેચમાં રમવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ યુનાઈટેડ સ્ટેટ્સ બેલ્જિયમ સામે 4-1થી હારી ગયું હતું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
યુએસએ, કેનેડા અને મેક્સિકોએ ફિફાનું આયોજન કર્યું
ફિફા વર્લ્ડકપ 2026નું આયોજન યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં છે, રવિવારે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઈનલ મેચ યોજાવાની છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ ફાઈનલ મેચમાં હાજર રહેશે.
ફિફાએ પહેલાથી જ 2030 વર્લ્ડકપ મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેનને અને 2034 વર્લ્ડકપ સાઉદી અરેબિયાને સોંપી દીધો છે. પરંતુ 2038 વર્લ્ડકપ માટે હજુ સુધી યજમાનની પસંદગી કરવામાં આવી નથી. ટ્રમ્પના નિવેદનથી ભવિષ્યની યજમાની તકો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?