ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં ખેલાડીઓને ગરમીથી રાહત આપવા માટે પહેલીવાર ફરજિયાત ‘હાઇડ્રેશન બ્રેક’ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ નિયમ હવે ભારે વિવાદોમાં સપડાયો છે. ટીકાકારો અને ફૂટબોલ દિગ્ગજોનું કહેવું છે કે આ બ્રેક મેચના કુદરતી પ્રવાહને તોડી રહ્યો છે. તેમનું માનવું છે કે આ બ્રેકથી કોચને રણનીતિ બદલવાની વધારાની તક મળે છે. ખાસ કરીને જયારે એસી સ્ટેડિયમમાં પણ મેચ રોકીને હાઈડ્રેશન બ્રેક લેવામાં આવ્યો તે જોઈ ફૂટબોલ દિગ્ગજો ભડકયો. ફિફાના વિચિત્ર નિયમથી કોચ ખુશ છે પણ દિગ્ગજો અને ફેન્સ નારાજ છે.
હાઈડ્રેશન બ્રેકથી કુરાકાઓનો લય તૂટ્યો
આ વિવાદનું સૌથી મોટું ઉદાહરણ જર્મની અને કુરાકાઓ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. તાજેતરમાં વર્લ્ડ કપના સૌથી નાના દેશ કુરાકાઓએ લિવાનો કોમેનેસિયાના ગોલની મદદથી ૪ વખતના ચેમ્પિયન જર્મનીને ૧-૧ ની બરાબરી પર રોકી રાખ્યું હતું. પરંતુ, ગોલ થયાના થોડી જ વારમાં ‘હાઇડ્રેશન બ્રેક’ લેવામાં આવ્યો અને કુરાકાઓનો ઉત્સાહ અને લય બંને ખોરવાઈ ગયા. ગેમ શરૂ થતાં જ જર્મનીએ હાફટાઇમ પહેલા બે ગોલ ફટકાર્યા અને આખરે મેચ ૭-૧ થી જીતી લીધી. ઇંગ્લેન્ડના પૂર્વ સ્ટ્રાઈકર એલન શીયરરે આ અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે બ્રેકના લીધે કુરાકાઓ ઈવેન્ટની ગતિ ખોઈ બેઠું.
બ્રેક બન્યો કોચ માટે ગેમ-ચેન્જર પ્લાન
ફિફાએ આ નિયમ ખેલાડીઓને પાણી પીવડાવવા માટે બનાવ્યો હતો. પરંતુ કોચ હવે તેનો ઉપયોગ વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કરી રહ્યા છે. નેધરલેન્ડ્સના કોચ રોનાલ્ડ કોમેનએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેઓ મેચની સ્થિતિ સુધારવા અને ખેલાડીઓને નવી યુક્તિઓ આપવા માટે આ સમયનો પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. જણાવી દઈએ કે ગરમીના કારણે ખેલાડીઓની રમત પ્રભાવિત થઈ રહી છે. ટેનિસની રમતમાં ગરમીના કારણે દિગ્ગજ ખેલાડીએ કારમી હારનો સામનો કરવો પડયો હતો. એટલે જ ફૂટબોલમાં ખેલાડીઓ માટે હાઈડ્રેશનનો નિયમ લાગુ કરાયો. પરંતુ એસી સ્ટેડિયમમાં બ્રેક લેવાતા ફૂટબોલ દિગ્ગજો આ નિયમને વિચિત્ર ગણાવે છે.
ફિફાના આ નિયમ સામે ઉઠાવ્યા સવાલ
આયર્લેન્ડના પૂર્વ કેપ્ટન રોય કીને પણ ફિફાના આ નિર્ણય સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ બ્રેકની તુલના અમેરિકન રમતોના 'ટાઇમઆઉટ' સાથે કરતા કહ્યું કે, ફૂટબોલની અસલી સુંદરતા તેની અવિરત ગતિમાં છે, જે આ વિરામના કારણે પ્રભાવિત થઈ રહી છે. આંકડા જોઈએ તો વર્લ્ડ કપની પ્રથમ ૧૬ મેચોમાંથી ૮ મેચમાં હાઇડ્રેશન બ્રેક પૂરો થયાની ૧૦ મિનિટની અંદર જ ગોલ નોંધાયા હતા. બ્રાઝિલ-મોરોક્કો મેચ સિવાય કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, સ્વીડન અને ઈરાન જેવી ટીમોએ પણ બ્રેક પછી ગોલ કરીને મેચનો પાસો પલટી નાખ્યો હતો.
એર-કન્ડિશન્ડ સ્ટેડિયમમાં પણ બ્રેક? ચાહકોમાં નારાજગી
ફિફાના નિયમ મુજબ, રેફરીએ દરેક હાફની ૨૨મી મિનિટે ૩ મિનિટ માટે રમત રોકવી ફરજિયાત છે, પછી ભલે હવામાન ગમે તેવું હોય. એટલાન્ટામાં સ્પેન અને કેપ વર્ડે વચ્ચેની મેચ એર-કન્ડિશન્ડ અને ક્લોઝ્ડ રૂફ સ્ટેડિયમમાં હોવા છતાં બ્રેક અપાયો હતો. જયારે ફોક્સબરોમાં ઇરાક અને નોર્વે વચ્ચેની અટકાવેલી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ચાહકોએ ભારે બૂમાબૂમ કરી નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Ahmedabadમાં 295 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ સ્પાઈન,સ્પોર્ટ્સ ઈન્જરી સેન્ટર બનશે